પ્રતિભાવો ઉર્ફે Comments

Wednesday, July 09, 2014

સન્માનનો સિક્કો એટલે કે અસલી રબર સ્ટૅમ્પ


વાત મોડી લખું છું પણ તેની તીવ્રતા મોળી પડી હોય એવું જરા પણ લાગતું નથી. એવું માનવાને કોઈ કારણ પણ નથી. વાત જાણે એમ બની કે...

રક્તજૂથના સંશોધક કાર્લ લેન્ડસ્ટેઇનર
દર વર્ષે જૂન મહિનો આવે અને રક્તદાનની પ્રવૃત્તિને સામૂહિકપણે યાદ કરવામાં આવે છે. એમજ સમજોને કે 14મી એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરને અને 31મી ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવે કે 15મી ઑગસ્ટે જેમ દેશદાઝનો ઉભરો ચઢે એમ જ 14મી જૂન આવે ને રક્તદાનની પ્રવૃત્તિની વાર્ષિક નોંધ લેવાય છે. માનવશરીરમાંના રક્તનો વિસ્તૃત અભ્યાસ કરી તેને ‘એ’ અને ‘બી’ એવા અલગ-અલગ જૂથમાં વર્ગીકૃત કરનાર અમેરિકન સંશોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો / Karl Landsteiner જન્મદિવસ એટલે 14મી જૂન. રક્તદાન પ્રવૃત્તિને તેમના જન્મદિવસ સાથે જોડી કાર્લ લેન્ડસ્ટેઇનરને આ દિવસે સંભારવામાં આવે છે. ભારતીય રેડ ક્રોસ સોસાયટી અને તેની સાથે સંલગ્ન શાખાઓ – સંસ્થાઓનો કાર્યક્રમ આયોજનમાં સિંહફાળો હોય છે. સારું છે, તેનાથી પ્રવૃત્તિને વેગ મળે છે. બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિરો)નું આયોજન કરવામાં આવે, રક્તદાન કરનારાઓનું સન્માન થાય કે કેમ્પ આયોજકોને મળતી સફળતાની નોંધ લેવાય તેનાથી સમાજમાં એક સારો દાખલો બેસે છે. હા, ક્યારેક કોઈ ચૂક થઈ જાય છે. જેવી આ વર્ષે થઈ.

વાત જાણે એમ બની કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 14મી જૂને નહીં પણ તેના પછીના દિવસ 15મી જૂને રક્તદાનની પ્રવૃત્તિને પ્રમાણવાનો એક જાહેર કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સાથે ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવી બે માતબર સંસ્થાઓ પણ કાર્યક્રમના આયોજનમાં સામેલ હતી. સરકારી, અર્ધ-સરકારી અને આ પ્રકારના કામમાં જોડાયેલી સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આયોજિત થાય તેવો જ કાર્યક્રમ હતો. જેમ કે કાર્યક્રમનો વિધિવત આરંભ થાય તે પહેલા આમંત્રિત મહેમાનો – આગંતુકોનું રજિસ્ટ્રેશન, કાર્યક્રમ સંબંધી વિગતો જણાવતો પૉર્ટફોલિઓ – આઈડેન્ટિટી ટેગ આપવો અને પછી ચા-નાસ્તો. ભજન (વક્તવ્યો) સાંભળીએ તે પહેલા સેમી-ભોજનનો પ્રબંધ. અહીં પણ એમ જ થયું.

સન્માનનો સિક્કો અને સ્ટૅમ્પ પેડ : જુગતજોડી
ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલના પ્રાંગણમાં નવા બંધાયેલા ભવ્યાતિભવ્ય ઑડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમ સ્થળે હું પણ એક આમંત્રિતની રૂએ સવાર-સવારમાં જ પહોંચી ગયો. રજિસ્ટ્રેશનની વિધિ પછી પૉર્ટફોલિઓ કિટ લઈને ચા-નાસ્તા માટે આગળ વધતો હતો ત્યાંજ એક નહીં બે હાથ આડા આવ્યા. એકે મારા હાથમાં ગિફ્ટ થમાવી અને બીજા હાથે કહ્યું ‘લાવો તમારો બીજો હાથ’. હવે પછીની વાત ડાયલૉગ સ્વરૂપે જ વાંચીએ.
કેમ? શેના માટે?
તમારા કાંડા પર સિક્કો મારવાનો છે.
સિક્કો? શેના માટે?
આ તમને ગિફ્ટ આપીને તેની સાબિતી માટે. બીજીવાર લેવા આવો તો અમને ખબર પડી જાય ને.
તમારી ભલી થાય. રક્તદાન કરનારા કે એ પ્રવૃત્તિનો હિસ્સો બનીને સમાજસેવામાં ફાળો આપનારનું સન્માન પણ કરવું છે અને હારોહાર એમને અપ્રમાણિક પણ ધારી લેવા છે. આ હાળું જબરું. મગજ ફાટ-ફાટ જ થવું ઘટે. થઈ જ રહ્યું હતું છતાંયે કેમેય કરીને અટકાવી-ટકાવી રાખ્યું. એટલા માટે કે શાંતિથી આ બાબતની રજૂઆત કરીશ તો આમ સિક્કો મારવાનો ક્રમ અટકી જશે એવો મને વિશ્વાસ હતો.

સિક્કો મારવાની જવાબદારી જેમના માથે થોપી હતી તેઓ દેખાવે તાજા કૉલેજ પાસ-આઉટ યુવક-યુવતીઓ જણાતા હતા. માણસ અને અહીં તો આપે જેને આમંત્રણ આપી બોલાવ્યો છે તેના શરીર પર આમ રબર સ્ટૅમ્પના સિક્કા ન થોપાય તેવી દલીલ કરી. આ તો ગૌરવહનન અને ગુલામીની નિશાની જેવું છે એમ પણ સમજાવ્યું. પણ તેઓ કંઈ કરી શકે તેમ ન હતા. ખરેખર કરવાનું તો કંઈ હતું જ નહીં, જે કરતા હતા તેને અટકાવવાનું હતું. ‘અમને જેમણે સૂચના આપી છે તેમને વાત કરો’ એવા સૂચન સાથે તેઓમાંના એકે એક હોદ્દેદાર જણાતી વ્યક્તિ તરફ આંગળી ચીંધી. એ દિશામાં આગળ વધું તે પહેલા જ બીજી સૂચના આવી...‘તમે સિક્કો મરાવો છો કે પછી ગિફ્ટ મુકી દો છો?

હાથમાં પકડેલી ગિફ્ટને તો પડતી જ મૂકી. આત્મસન્માનને પડતું મુકવું પડે એ પહેલાનો એ સહેલો રસ્તો હતો. ગિફ્ટ શું હતી? એક દિવાલ ઘડિયાળ. ક્વાર્ટઝ્ મૂવમેન્ટ વાળી વૉલ ક્લોક. આજથી ત્રીસ વર્ષ અગાઉ પહેલવહેલી વાર 1985ની આસપાસ બજારમાં આવી ત્યારે સો રૂપિયાની કિંમતે મળતી આવી ઘડિયાળ આજે પણ 100/- રૂપિયામાં જ મળે છે. એક નવો પૈસો ઓછો નહીં ને એક વધારે પણ નહીં. ભેટમાં મળતી વસ્તુ અમૂલ્ય ગણાય એવી સાદી સમજણ હતી પણ હૈયાસૂઝ એમ કહેતી હતી કે એ લેવા માટે હથેળીમાં સિક્કો ના મરાવાય.

સન્માનના સિક્કા ના પડાવો, છાપ પડાવો
જેમની તરફ આંગળી ચીંધી હતી તે કાર્યક્રમ આયોજનના હોદ્દેદાર ભાઈને મળ્યો. આગળ જણાવી છે એ જ વાત તેમની આગળ કહી. સમજ્યા પણ ખરા. તેમની પાસે પણ દલીલ હતી કે ‘આ એક જાહેર સ્થળ છે. કાર્યક્રમ સાથે સંબંધ ના હોય તેવા લોકો સવારનો ચા-નાસ્તો તો ઝાપટી જ ગયા છે. ભેટ પણ લઈ જાય તો તેમનું શું કરવું?.’...‘આયોજકની રૂએ તમે એનો કોઈ વિકલ્પ શોધી કાઢો અથવા તો કાર્યક્રમના અંતે ઑડિટોરીયમમાંથી બહાર નીકળતી વ્યક્તિને જ ગિફ્ટ આપવાનું રાખો’ એવા સૂચન સાથે અને કાંડા પર સિક્કો મારવાનું કામ તાત્કાલિક અસરથી બંધ થાય છે તેવી ખાત્રી મેળવીને અમે છૂટા પડ્યા.

વિરોધનો મારો મુદ્દો સાચો અને સમયસરનો હતો એમ અન્ય હોદ્દેદારો અને સાથીમિત્રોએ પણ સ્વીકાર્યું. મને ખુદને આ પ્રસંગ સાથે વધુ એક વાર ખાતરી થઈ કે વાતમાં વજૂદ હોય તો વિરોધ કરી શકાય અને લાંબી-પહોળી લપમાં પડ્યા વિના તેનો નિવેડો લાવી શકાય છે.

આવો, આ પ્રકારનો જ નિવેડો લાવવાના કામનો પાટનગર પછીનો ભાગ બીજો અમદાવાદમાં ભજવી શકાય તેમ છે. અનલિમિટેડ ભોજનનો આનંદ ઓછો પણ વધુમાં વધુ વાનગીઓનો વિકલ્પ આપતી અમદાવાદની કેટલીક રેસ્ટોરન્ટમાં ગ્રાહક તરીકે રૂપિયા ગણી આપ્યા પછી થાળી લેવાનો ઑપ્શન એક જ વારનો ઉર્ફે સિંગલ ટાઇમ હોય છે. ભોજનની થાળી પર ગ્રાહક બીજી વાર હાથ નહીં અજમાવે તેની ખાતરી કઈ રીતે લેવામાં આવે છે? કાંડા પર સિક્કો મારીને. બીજી કોઈ રીત છે ખરી? હોય તો જરૂર જણાવશો.


(રંગીન તસવીરો : બિનીત મોદી)

Sunday, June 08, 2014

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (મે – 2014)

(મે – 2014)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 43મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે મે – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Thursday, 1 May 2014 at 01:40pm)
ધર્મગુરૂની હોદ્દાગત ઓળખને ખાદ્ય પદાર્થની નામજોગ ઓળખ સાથે જોડી આપતી એક જ વાનગી આખા વિશ્વમાં ઉપલબ્ધ છે...પોપકોર્ન...
* * * * * * *

દિગ્વિજયસિંહ કી લવ સ્ટોરી : અમૃતા રાય
(Saturday, 3 May 2014 at 09:25am)
દિગ્વિજયસિંહજીપાકટ વયે પુનઃ પ્રેમમાં પડીને અમૃતા રાય સાથે લગ્નસંબંધ સુધી આગળ વધવાની પ્રેરણા ક્યાંથી અને કેવી રીતે મળી?”
મારા વતન મધ્યપ્રદેશમાં આવેલા ખજૂરાહોના શિલ્પો જોઈ-જોઈને.
* * * * * * *

(Monday, 5 May 2014 at 09:45am)
જાડિયા-પાડિયા લોકો બેકપેક લટકાવીને ફરતા હોય ત્યારે ખબર નથી પડતી કે બોડી ક્યાં પૂરું થાય છે અને ખરેખરો થેલો ક્યાંથી શરૂ થાય છે. ખરેખર હોં!
* * * * * * *

(Thursday, 8 May 2014 at 05:00pm)
ગુજરાતમાં જામજોધપુર એક એવું ગામ છે કે જેના નામમાં ‘જામ’ શબ્દ હોવા છતાં ત્યાં ‘જામ’ લઈ શકાતો નથી. એ માટે તેના નામમાં જ જેનો સમાવેશ છે તેવા રાજસ્થાનના ‘જોધપુર’ શહેર સુધી લાંબા થવું પડે છે.
* * * * * * *

(Saturday, 10 May 2014 at 06:20pm)
અમારે ત્યાં ડાયબીટિઝ માટે લોહી પેશાબની તપાસ કરાવ્યા પછી જાડી-પાડી વ્યક્તિને કાર્ડ પેપર પર અને પાતળી વ્યક્તિને પાતળા કાગળ પર રિપોર્ટ પ્રિન્ટ કરી આપવામાં આવે છે.
લિ. નિયામક ડમડમબાબા ડાયબીટિઝ માપક કેન્દ્ર
* * * * * * *

(Wednesday, 14 May 2014 at 01:20pm)
ભારતમાં બેંકના બ્રાન્ચ મેનેજરની કેબીન કરતાં ATMની કેબીન મોટી થઈ ગઈ છે.
* * * * * * *

(Thursday, 15 May 2014 at 07:55pm)
આવતીકાલે રિઝલ્ટ છે...
...દસમા બારમા ધોરણનું નહીં હવે...સોળમી લોકસભા ચૂંટણીનું...
* * * * * * *

(Saturday, 17 May 2014 at 03:10pm)
સોળમી લોકસભાના ચૂંટણીના પરિણામો ટેલિવિઝનના માધ્યમથી જોવા જાણવા બહુમતી નાગરિકોએ જે સ્વીચ પાડી તેની પાછળ ગઈકાલે બહુમતી મેળવનાર ભારતીય જનતા પક્ષનો એક નાનકડો ઇતિહાસ સમાયેલો છે.
મેં તમે પાડેલી એ સ્વીચ મોટેભાગે ઍન્કર (ANCHOR) કંપનીએ બનાવેલી હોવાની. એ સ્વીચના બનાવનારા મુંબઈવાસી કચ્છી ઉદ્યોગસાહસિક દામજીભાઈ શાહ ઍન્કરવાળા 1980 – 1981ના ગાળામાં ભારતીય જનતા પક્ષને એક લાખ રૂપિયાનું ચૂંટણીફંડ આપ્યું હતું. રાષ્ટ્રીય પક્ષ તરીકે નોંધણી પામેલા પરંતુ લોકસ્વીકૃતિ પામવા માટે એક તકની રાહ જોતા ભાજપને માટે તે એટલી મોટી રકમનું દાન હતું કે ગુજરાતના દૈનિકોએ તેને પહેલા પાનાના સમાચાર બનાવ્યા હતા.
એટલા માટે કે રોકડ રકમ સ્વરૂપે મળેલા આ દાનનો સ્વીકાર કરનારા ગુજરાત ભાજપના નેતા શંકરસિંહ વાઘેલા હતા. દાન લાવી આપવાના દમ પર સમય જતાં તેમણે પક્ષ પાસેથી રાજ્યસભાનું સભ્યપદ પણ જીદ કરીને મેળવી લીધું હતું. ચાર વાર લોકસભાના સભ્ય રહી ચૂકેલા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાલ 2014માં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા છે. પંદરમી લોકસભા (2009) પછી સોળમી લોકસભા ચૂંટણી પણ 85000 મતના તફાવતથી હારી જનાર શંકરસિંહ વાઘેલા ગાંધીનગરમાં વસંત વગડોનામના 85000 ચોરસ ફીટના બંગલામાં રહે છે.
(સોળમી લોકસભાની ચૂંટણી અને મતગણતરી : એપ્રિલ – 16 મે 2014)
* * * * * * *

કવિ  પ્રાધ્યાપક નિરંજન ભગત : આજે થયા ઇઠ્યાશી (*)
(Sunday, 18 May 2014 at 04:55pm)
અમદાવાદમાં જન્મેલા કવિ નિરંજન ભગત આજે થયા ઇઠ્યાશી વર્ષના...જન્મ : 18 મે 1926
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના અંગ્રેજીના નિવૃત્ત અધ્યાપક ભગત સાહેબનો આ ફોટો અમદાવાદની એચ.કે. કૉલેજના વર્ગખંડમાં પાડ્યો હતો. કવિ ઉમાશંકર જોશીના શતાબ્દી વર્ષની ઉજવણી માટે મળેલી સભા (રવિવાર10 એપ્રિલ 2011) પછી મેં તેમને વિનંતી કરતાં કહ્યું કે...મારે અધ્યાપકને બેન્ચ પર બેસાડીને ફોટો પાડવો છે.તેમનો જવાબ હતો...અરે, તમે કહો તો ઊભા રહીને પણ પડાવું. મારા ક્લાસમાં સરખું ના ભણતા વિદ્યાર્થી માટે બે જ સજા રહેતી...વર્ગની બહાર ઊભા રહો અથવા બેન્ચ પર.
* * * * * * *

(Tuesday, 20 May 2014 at 01:33pm)
અમદાવાદની ચુંમાળીસ ડિગ્રી ગરમીમાં શેકાયેલું સંશોધન...
તડબૂચ એક માત્ર એવું ફ્રૂટ છે જેના નામમાં ગુજરાતી અટક બૂચને સ્થાન મળ્યું છે. કેરીઅટક અંગ્રેજોના ફાળે ગઈ છે.
* * * * * * *

આનંદીબહેન પટેલ
(Thursday, 22 May 2014 at 06:00pm)
વૅકેશનમાં આમ તો કોઈ શિક્ષક કે પ્રાધ્યાપકની નિમણૂક સ્કૂલ કૉલેજમાં થતી નથી...પરંતુ નિવૃત્ત શિક્ષિકા આચાર્ય શ્રીમતી આનંદીબહેન પટેલની ચાલુ વૅકેશનમાં આજે ગુજરાતના પંદરમા અને રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રીપદે સોગંદવિધિ થઈ છે.
(નોંધ : સ્કૂલેથી છૂટીને ઘરે ગયા પછી મૂકેલું પ્રોફાઇલ સ્ટેટસ)
* * * * * * *

(Saturday, 24 May 2014 at 12:00Noon)
સમાજસુધારણાની દિશામાં આગળ વધતાં માથે ઓઢવાના કે પરદાપ્રથામાં રહેવા જેવા કેટલાક રિવાજો દૂર થયા. જો કે અમદાવાદના ઉનાળામાં એ રિવાજો પાછા આવે છે, એટલું જ નહીં મહિલાઓની સાથે પુરુષો પણ તે રિવાજોનું પાલન કરે છે.
* * * * * * *

નરેન્દ્ર મોદી : પંદરમા વડાપ્રધાન
(Monday, 26 May 2014 at 11:05pm)
વહાલા દેશવાસીઓ,
જત જણાવવાનું કે...આજથી મારું ઑફિસનું સરનામું બદલાયું છે...
જૂનું સરનામું : મુખ્યમંત્રીનું કાર્યાલય ગુજરાત સરકાર, સ્વર્ણિમ સંકુલ – 1, વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.
નવું સરનામું : વડાપ્રધાનનું કાર્યાલય ભારત સરકાર, સાઉથ બ્લોક, રાયસીના હિલ્સ, નવી દિલ્હી.
(તા.ક. અત્યાર સુધી ગુજરાતીમાં લખતા આપને હવેથી સરનામું હિન્દી અથવા અંગ્રેજીમાં કરવા વિનંતી. આપનો આભાર.)
લિ. આપનો સેવક – નરેન્દ્ર મોદી
* * * * * * *

નરેન્દ્ર મોદી : 7 રેસકોર્સ રોડના નવમા રહેવાસી
(Tuesday, 27 May 2014 at 04:26pm)
વહાલા દેશવાસીઓ,
જત જણાવવાનું કે...આજથી મારું ઘરનું સરનામું બદલાયું છે...
જૂનું સરનામું : બંગલા નંબર – 26મંત્રીશ્રીઓના નિવાસસ્થાન, રાજભવન લેન, સરકીટ હાઉસ પાસે, સેક્ટર – 20, ગાંધીનગર.
નવું સરનામું : ભારતના વડાપ્રધાનનું નિવાસસ્થાન7 રેસકોર્સ રોડ, નવી દિલ્હી.
(તા.ક. અત્યાર સુધી ગુજરાતીમાં લખતા આપને હવેથી સરનામું હિન્દી અથવા અંગ્રેજીમાં કરવા વિનંતી. આપનો આભાર.)
લિ. આપનો સેવક – નરેન્દ્ર મોદી
* * * * * * *

(Wednesday, 28 May 2014 at 04:25pm)
પાસપોર્ટની અરજી સાથે સેલ્ફીએટેચ કરેલો હશે તો માન્ય ગણાશે.
હુકમથી રેગિસ્તાની રિયાસત ઑફ રાજસ્થાનના પરદેશ પ્રધાન

ગયા મહિને અહીં મુકેલી એપ્રિલ – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

.....તેમજ ગયા વર્ષે જૂન મહિનામાં અહીં મુકેલી મે – 2011, મે – 2012 તેમજ મે 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/06/2011.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)