પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, November 11, 2013

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (ઑક્ટોબર – 2013)


(ઑક્ટોબર – 2013)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યો. જેના અમલની કોઈ નિશ્ચિત તારીખ નહોતી એવી આ પોસ્ટસ્ ને મળેલા થોડા પ્રતિભાવો – કમેન્ટ્સ અને રીડર સ્કોરથી તેને નિયમિત કરવાનું મને બળ મળ્યું અને એ ક્રમમાં આ 36મી પોસ્ટ છે.
ગયા ઑગસ્ટમાં જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે ઑક્ટોબર – 2013. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Tuesday, 1 October 2013 at 11:46pm)
ડમડમબાબાની ડુગડુગી.....
મોબાઇલ માર્કેટમાં તદ્દન નવા ફોનનું આગમન થઈ ચૂક્યું છે...
...જેનું નામ છે...ઓવરસ્માર્ટ ફોન.....
* * * * * * *


(
Wednesday, 2 October 2013 at 09:05am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભારતમાં કૉફીના બી પકવતાં ખેતરો કરતાં કૉફી પાર્લરની સંખ્યા વધી ગઈ છે.
* * * * * * *


(
Thursday, 3 October 2013 at 05:25pm)
તસવીરકલા અને રાજકારણને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
(કૉંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીની બે દિવસની ગુજરાત મુલાકાત નિમિત્તે ખાસ પેશકશ)
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય સિવાય દુનિયાના તમામ સ્થળોએ ગ્રૂપફોટો પાડવો શક્ય છે.
* * * * * * *
ભારતીય સંસદ અને સંખ્યા


(
Friday, 4 October 2013 at 01:11pm)
ડમડમબાબાનું તદ્દન તાલમેલિયા સંશોધન.....
સામાજિક સદ્દભાવના માટે 2011માં 72 કલાકના જાહેર ઉપવાસ કરનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું શાસન 72 કલાક પછી 12 વર્ષ પૂરા કરશે...
...જો કે સૌથી મહત્વનો આંકડો 272 છે...
...સંસદસભ્યોનું આ સંખ્યાબળ કેન્દ્ર સરકારમાં સત્તા અને વડાપ્રધાનપદ બન્ને અપાવે છે.

* * * * * * *
રાહુલ ગાંધીનું ‘પિતૃતર્પણ’


(
Friday, 4 October 2013 at 04:44pm)
જત જણાવવાનું કે...
દેશમાં ખોટા ખર્ચનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ જૂઓને...રાહુલ ગાંધી ઠેઠ દિલ્હીથી લાખો રૂપિયાનો ખર્ચ કરી શ્રાદ્ધના છેલ્લા બે દિવસોમાં ગુજરાત (અમદાવાદ રાજકોટ) આવ્યા...અને...
...ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનું તર્પણ કરી ગયા...
...કાર્યકરો નેતાઓને જ્યાં ભરપેટ જમાડ્યા એ જગ્યા રાજીવ ગાંધી ભવનતરીકે ઓળખાય છે...બસ એ જ...લિખિતંગ.....બિનીત મોદી (અમદાવાદ)
* * * * * * *


(
Saturday, 5 October 2013 at 10:20am)
ડમડમબાબા ઉર્ફે ગ્રાહક રાજ્જા’...
છ મહિના અગાઉ એપ્રિલ – 2013ના પ્રારંભે 150 રૂપિયાની કિંમતે ખરીદેલો બજાજ કંપનીનો ફ્લોરોસન્ટ લેમ્પ ગયા અઠવાડિયે ઉડી ગયો. પૅકિંગ પર લખેલી બાર મહિનાની વૉરન્ટીના આધારે દુકાનદાર પાસે જઇને બદલી આપવા માટે રજૂઆત કરી. બલ્બ ક્યારે ખરીદ્યો હતો, ‘બિલ સચવાયું નથી, ‘કંપનીવાળા બદલી આપે પછી તમારે ત્યાંથી લઈ જઇશ’ – આવી મારી એક પણ વાત દુકાનદારે કાને ધરીજ નહીં અને હાથમાં નવો બલ્બ ધરીદીધો. સાથે-સાથે કહ્યું તમે મારા ગ્રાહક છો. જૂના ગ્રાહક છો એવી ખબર છે અને જૂઠ્ઠું નહીં બોલતા હો તેની ખાતરી છે.
દુકાનનું નામ : ડીલાઇટ ઇલેક્ટ્રિકલ્સ, કામધેનુ કોમ્પ્લેક્ષસહજાનંદ કૉલેજ BRTS સ્ટોપ સામે, પાંજરાપોળ ચાર રસ્તા, પૉલિટેક્નિક, આંબાવાડી, અમદાવાદ.
* * * * * * *


(
Sunday, 6 October 2013 at 01:11am, 11:11am & 11:55pm)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
એર હોસ્ટેસ...પૅસિન્જર વિંગમાં અનાઉન્સમન્ટ કરી દો કે અમદાવાદ આવી ગયું છે.
પણ પાઇલટ સર...રડારમાં તો દેખાતું નથી.
ઓહ બેબી...ગરબા અને દાંડિયાના અવાજ સંભળાય એટલે સમજી જવાનું કે અમદાવાદ આવી ગયું છે.”…“ક્યાં સુધી રડારના વિશ્વાસે વહાણ...Sorryવિમાન ચલાવ્યા કરીશું?”
* * * * * * *


(
Tuesday, 8 October 2013 at 12:35pm)
ડમડમબાબાની ડુગડુગી.....
નવરાત્રિના આયોજનને રફેદફે કરી મૂકે તેવો સાંબેલાધાર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે. નવરાત્રિના દિવસોમાં કોઈ પણ સમયે આવતો વરસાદ બેહદ ગમે છે કેમ કે ધંધાદારી આયોજકોએ મા અંબાની આરતી પણ મફતમાં ન કરી શકીએ એવું જડબેસલાક આયોજન કર્યું હોય છે. આરતી કરવા પણ પાસજોઇએ.
* * * * * * *


(
Wednesday, 9 October 2013 at 02:00pm)
ડમડમબાબાની ડુગડુગી.....
ગુજરાતી ફિલ્મ એટલે ગામ, ગરબો અને ગોકીરો.
ગઈકાલે ચોથા નોરતાંની રાત્રે અદ્દલ ગુજરાતી ફિલ્મ જેવું જ થયું. અમદાવાદ ગામમાં વરસાદ પડ્યો એટલે નવરાત્રિના મોંઘાદાટ પાસ ખરીદનારાઓએ ગરબાના કેટલાક સ્થળોએ ગોકીરો મચાવ્યો, એમ કહીને કે કાં તો રૂપિયા પાછા આપો અથવા તો આ પાસ નવરાત્રિના બાકીના બધા દિવસોએ...Sorryરાત્રે ચાલશે એવું લખી આપો.
તાજાકલમ : આવું આજે પણ થઈ શકે છે...કેમ...કે...વરસાદ ચાલુ જ છે.
* * * * * * *


(
Thursday, 10 October 2013 at 12:40pm)
ડમડમબાબાની ચોંકાવનારી માગણી.....
જોધપુર (રાજસ્થાન)માં આસારામ અને સુરત (ગુજરાત)માં માદીકરા દીકરી (લક્ષ્મીનારાયણ સાંઈ અને ભારતી) વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ પછી...તો...
...તો એવું લાગે છે કે આ લોકો સામેની અદાલતી કાર્યવાહી રૅગ્યુલર, સ્પેશલ કે ફાસ્ટ ટ્રેક કૉર્ટને બદલે ફેમિલી કૉર્ટમાં ચલાવવી જોઇએ...ખાનદાનમાં ખર્ચો છે’...આવું એક ગુજરાતી નાટક આવ્યું હતું. ખરું ને?
* * * * * * *


(
Friday, 11 October 2013 at 12:15pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ભૂવાનું પૂરાણ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને એટલું મોટું બજેટ ફાળવ્યું છે કે એ રકમમાંથી શહેરની ભાગોળે નવું એરપોર્ટ બની જાય.
* * * * * * *


(
Saturday, 12 October 2013 at 11:45pm)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
મા...માતાજી...મને દર્શન આપો.
કોને...અંબા માતાને વિનવો છો?”
ના. મારે સગીર યુવતી પર બળાત્કારના તહોમતદાર આસારામનો બચાવ કરવા નીકળેલા સુધીર નાણાવટી અને રામ જેઠમલાણી જેવા વકીલો તેમજ આશ્રમના પ્રવક્તાઓ ઉદય સાંગાણી અને સુનિલ વાનખેડેની માતાના દર્શન કરવા છે કે જેમણે આ કુળદીપકોને જન્મ આપ્યો.
* * * * * * *


(
દશેરા : Sunday, 13 October 2013 at 10:00am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
બોલચાલની ગુજરાતી ભાષામાં આજે મૂળાક્ષરનો સૌથી વધુ ઉપયોગ અને તે પણ દરેક વ્યક્તિ દ્વારા ઓછામાં ઓછો બે વાર થવાની વકી છે.
eating ફાફડાજ હોયને. બીજું શું?
* * * * * * *


(
Monday, 14 October 2013 at 01:11pm)
ડમડમબાબા ફ્રેશ ન્યૂઝ સર્વિસ.....
વાસી અને વધેલા-ઘટેલા ફાફડાનું વેચાણ આજે પણ ચાલુ છે...
...કેમ કે...
...ફાફડા બનાવનારા વેચનારાઓનો અંદાજ ખોટો પડ્યો...
...ગઈકાલે દશેરાની સાથે રવિવાર પણ હોવાથી ઑફિસોમાં ફાફડાની ખપત થઈ નહોતી...
watching વાસી ફાફડાની Refrying પ્રક્રિયા.
* * * * * * *
જેલમાં કાવ્યસંગ્રહનું લોકાર્પણ (ડાબેથી) પી.સી. ઠાકુર (DGP - જેલ),
એસ.એસ. ખંડવાવાલા (Ex. DGP, Gujarat),
કેદી-કમ-કવિ ડી.જી. વણઝારા અને કોલમિસ્ટ જય વસાવડા


(
Tuesday, 15 October 2013 at 02:10pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
નકલી એન્કાઉન્ટરના તહોમતદાર પોલીસ અધિકારી ડી.જી. વણઝારાએ સાબરમતી Jailની સરદાર ખોલીમાં બેઠા બેઠા Gel પેનથી કવિતાઓ લખી એ પછી શું થયું?
એ કવિતાઓ મીટરવગરની હતી એટલે પછી તેની સજા રૂપે વણઝારાએ સાબરમતી જેલથી નવી મુંબઈ નજીક આવેલી તલોજા જેલ સુધીના કિલોમિટર કાપવાનો વારો આવ્યો!
reading કાવ્યસંગ્રહ કેદીની કવિતા અને કવિતાનો કારાવાસ’.
* * * * * * *
ડી.જી. વણઝારા, અમિત શાહ,
નરેન્દ્ર મોદી અને આસારામ


(
Wednesday, 16 October 2013 at 11:05am)
આસારામ સ્વાગત સમિતિ...
મોટેરા આશ્રમમાં સાધકો, ચેલાઓ-ચેલીઓ...
સાબરમતી જેલમાં ડી.જી. વણઝારા (સાધક-કમ-પોલીસ)સજલ જૈન (બીજલ જોશી બળાત્કાર કાંડનો આરોપી)
watching ગુજરાતી ફિલ્લમ જેલમાં જલસો છે’.
* * * * * * *


(
Friday, 18 October 2013 at 09:20am)
ડમડમબાબા ફ્રેશ ન્યૂઝ સર્વિસ.....
લક્ષ્મીચંદ ભગાજી (શરાફી પેઢી)મનુભાઈ રજનીકાન્ત શ્રોફ (ધીરધારનો ધંધો), ચેનરૂપ ભણસાલી (સી.આર. ભણસાલી), હર્ષદ મહેતા (શેર બજાર), કેતન પારેખ (માધવપુરા બૅન્ક), ઝહીર રાણા (મલ્ટી લેવલ માર્કેટીંગ) અભય ગાંધી (શેર બજાર), જિજ્ઞેશ શાહ (નેશનલ સ્ટોક એક્ષચેન્જ લિમિટેડ અને ફાઇનાન્સિઅલ ટેક્નોલોજિસ)...પછી...
ઉઠમણું કરનારાઓની ટોળકીમાં સામેલ થનાર શખ્સનું નામ છે...આસારામ...
સાધકો ભક્તો બિલ્ડરો સનદી તેમજ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના અબજો રૂપિયાનું ફુલેકું ફેરવાઈ ગયું છે.
* * * * * * *


(
Saturday, 19 October 2013 at 10:30am)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
જુઓ...જુઓ...પેલા ખૂણામાં લોકો ભેગા થયા છે. ઝઘડો કે એક્સિડન્ટ થયો લાગે છે.
ના...રે...ના. એ તો લોકો પાણીપુરી ખાવા ભેગા થયા છે.
* * * * * * *
(*)


(
Sunday, 20 October 2013 at 09:40pm)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
બોત્તેર કલાક કહ્યા છે.
કોની વાત કરો છો? કોણ છે ડૉક્ટર? ચિંતા થાય છે હોં.
અલ્યા ભાઈ (કે બહેન!) ચિંતા ન કરો...આ સાર્થક પ્રકાશનના દિવાળી વિશેષાંક જલસાની વાત થાય છે...અને...
“…અને કોઈ ડૉક્ટરે નહીં પણ પ્રિન્ટરે બોત્તેર કલાક કહ્યા છે. વિશેષાંક છપાઇને આવવામાં આટલો સમય બાકી છે.
શું જમાનો આવ્યો છેપ્રિન્ટર્સ પણ ડૉક્ટરની ભાષામાં વાત કરતા થઈ ગયા.
* * * * * * *


(
Tuesday, 22 October 2013 at 10:35am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
રાજકારણીઓ, માલેતુજારોસંસ્થાઓજ્ઞાતિમંડળો અને તેના હોદ્દેદારોએ વિદ્યાર્થી સન્માન સમારોહની ઋતુ એવી ખીલવી છે કે...
...કે...પાંત્રીસ ટકા મેળવનારાઓનો પણ મેળપડી જાય છે સન્માન મેળવવાની લાંબી લાઇનમાં ઊભા રહેવા માટે.
* * * * * * *


(
Tuesday, 22 October 2013 at 04:20pm)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
અરે શું વાત કરું?...લોકોએ સાર્થક જલસોનો દિવાળી વિશેષાંક ખરીદવા જે પડાપડી કરી છે...વાત ન પૂછો...બજારમાંથી પચ્ચાની નોટો ગાયબ થઈ ગઈ છે.
ટાઢા પહોરની ના હાંકો...વિશેષાંક ખરીદવા આવનારા કેટલાક સો રૂપિયાની નોટ લઇને પણ આવતા હશેને? એમને તો તમે પચ્ચા રૂપિયા પાછા આપતા હશોને? એ ય ગાયબ કરી દીધા કે શું?”
અરે ભાઈ (કે બહેન!)...અમે ક્યાં ના પાડીએ છીએ? સો રૂપિયાનું પત્તું આપનારને અમે પચ્ચાની નોટ પાછી આપીએ જ છીએ...પણ...
“…પણ એ લોકો થોડી વારમાં એ જ પચ્ચાની નોટ લઇને પાછા આવે છે...વિશેષાંકની બીજી નકલ લેવા.
* * * * * * *


(
Wednesday, 23 October 2013 at 01:00pm)
ગુજરાતી ભાષાના બહુહેતુક ઉપયોગ સંદર્ભે ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ચોરાણુશબ્દનો ઉપયોગ એક જ વાક્યમાં બે જુદા-જુદા અર્થ સંદર્ભે આ રીતે થઈ શકે છે.
મારું ચોરાણુ હજારનું બાઇક ચોરાણુ છે.
* * * * * * *


(
Thursday, 24 October 2013 at 03:00pm)
સાર્થક જલસો’ – પ્રથમ દિવાળી વિશેષાંકનું પ્રકાશન : જાનૈયાઓને પણ દહેજ આપવાના કુરિવાજનો પ્રારંભ
ટેલિફોન કનેક્શન, સ્માર્ટફોન, ઇ-મેલ અકાઉન્ટ અને સ્થાવર-જંગમ મિલકત એવું કશું જ નહીં ધરાવતા અમારા ખબરપત્રીને જાણવા મળ્યા મુજબ ગુજરાતના છેવાડાના ગામ, કસબાઓ, મુવાડાઓ કે જ્યાં ગુજરાતી ભાષા હજી ટકી રહી છે ત્યાં દહેજપ્રથા જેવા કુરિવાજે નવેસરથી માથું ઊચક્યું છે.
આ સંબંધે તપાસ કરતા જાણવા મળ્યું કે અગાઉ કપડાંલત્તાં, ઘરેણા, રાચરચીલું, સ્કૂટર, મોટરકારની માગણી કરતા વેવાઈઓ હવે દહેજમાં સાર્થક જલસોના દિવાળી વિશેષાંકની ગેરવાજબી માગણી કરે છે. ગેરવાજબી એટલા માટે કે વર અને ઘર માટે એક-એક નકલની માગણી કરે ત્યાં સુધી બરાબર હતું પણ હવે તેઓ જાનૈયાઓને માટે પણ વિશેષાંક માગે છે.
શું સરકાર, વહીવટીતંત્ર અને સમાજ કલ્યાણ વિભાગ આ સંદર્ભે પગલાં લેશે? નાગરિકોમાં ચર્ચાતો (અથવા તો ઉકળતો) પ્રશ્ન.
* * * * * * *


(
Friday, 25 October 2013 at 01:11pm)
ખેતીવાડી, વાનગી, નાસ્તાની એક આઇટમ અને સંવેદનાત્મક મૂલ્યોને એકમેક સાથે સાંકળતું ડમડમબાબાનું લાઇવ રિપૉર્ટીંગ.....
ખાદ્ય પદાર્થના ગુણધર્મની રીતે તદ્દન ભિન્ન છતાં એક જ ખેતરના જુદા-જુદા ખૂણે વાવણી પામેલું ટમેટું અને ચણાનો દાણો લણણીની ઋતુ પછી છૂટા પડતી વખતે આ અફાટ જગતમાં ફરી ક્યાં, ક્યારે અને કેવા સંજોગોમાં મળવાનું થશે? થશે કે નહીં?એવા વિચારો કરતા ખૂબ રડ્યા...ત્યારે...ખેડૂતે તેમને આશ્વાસન આપતાં કહ્યું કે, “તમે બન્ને ચિંતા ન કરો. સેવ-ટમેટાનું શાક આ જગતમાં જ્યાં પણ બનશેએ તમને બન્નેને ચોક્કસ ભેગા કરશે.
* * * * * * *


(
Saturday, 26 October 2013 at 02:40pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભારતમાં રાજકીય પરિસ્થિતિ એટલી બધી પ્રવાહી અને ગતિશીલ હોય છે કે દિલ્હીના રેલવે સ્ટેશને વડાપ્રધાનએવી બૂમ જોરથી પાડો તો દરેક ભાષામાંથી હા...બોલોએમ સાંભળવા મળે.
* * * * * * *
સચિન તેન્ડુલકર


(
Monday, 28 October 2013 at 00:45am)
ડમડમબાબા ફ્રેશ ન્યૂઝ સર્વિસ અને ડુગડુગી.....
રોહતકમાં હરિયાણા ટીમ વિરૂદ્ધ રણજી ટ્રોફી મેચ રમતા મુંબઈ ટીમનો બેટ્સમેન સચિન તેન્ડુલકર પહેલી ઇનિંગમાં પાંચ રને આઉટ થયો...
...બરાબર છે...વયનિવૃત્તિના આરે આવેલા સનદી અધિકારી (IAS) આજે મૅટ્રિકની (SSC) પરીક્ષા આપે તો પાસિંગ પાંત્રીસ માર્ક માંડ આવે એવું થયું.
* * * * * * *
એ.આર. રહેમાન


(
Monday, 28 October 2013 at 01:11pm)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
ગઇકાલે અમદાવાદમાં યોજાયેલી રહેમાનઇશ્કમ્યૂઝિક કૉન્સર્ટમાં એ.આર. રહેમાન આવ્યા હતા?”
હા...આવ્યા હતા અને ગીતો પણ ગાયા હતા. કેમ તમને કોઈ શંકા છે?”
હા...યાર...જુઓનેઅમદાવાદના એક પણ છાપામાં આજે રહેમાનને ઢોકળા ભાવ્યારહેમાને ખમણનો સ્વાદ માણ્યોકે રહેમાને ઊંધિયાની લિજ્જત માણીએવી એક પણ સ્ટોરી આવી નથી.”…
…“એટલે મને શંકા છે કે...
* * * * * * *
(*)


(
Tuesday, 29 October 2013 at 03:10pm)
સાર્થક જલસોદિવાળી વિશેષાંકનું પ્રકાશન સાર્થકથયું...
સાર્થક પ્રકાશનના વસ્ત્રાપુર અમદાવાદ સ્થિત કાર્યાલય-કમ-મારા ઘરની નજીક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે કામ કરતી અંધજન મંડળનામની સંસ્થા આવેલી છે. શારીરિક દુખાવાની કેટલીક તકલીફોને લઇને પત્ની (શિલ્પા મોદી) રોજ સવારે ત્યાં કસરત કરવા જાય છે. એ કસરત અને સારવારના ભાગરૂપે આજે તેને ટ્રૅક્શન આપવાની શરૂઆત કરી. ટ્રૅક્શન આપનાર ફિઝિયૉથૅરપિસ્ટ ભાઈ જયેશ ઠાકોર સાથે થયેલી ડાયલૉગ સિરીઝ...
બહેન આપ શું કરો છો? આપના પતિ શું કરે છે?”
મેડિકલ લૅબરટરિ ટેક્નિશન તરીકે દસેક વર્ષ કામ કર્યા પછી હાલમાં હું ગૃહિણી છું. મારા પતિ લેખન પત્રકારત્વના કામ સાથે સંકળાયેલા છે. પુસ્તક પ્રકાશનનું કામ પણ ખરું...હમણાં દિવાળી નિમિત્તે એક વિશેષાંક પણ પ્રકટ કર્યો છે, સાર્થક જલસો તેનું નામ.
બહેન મારે એ વિશેષાંક જોઇએ છે. ક્યાં મળશે? એમ કરો તમે જ આવતીકાલે કસરત કરવા આવો ત્યારે મારા માટે એક નકલ લેતા આવજો.
તમે વાંચશો કેવી રીતે?”…જયેશભાઈની દૃષ્ટિ અંશતઃ છે કે તે કેટલા ટકા કામગીરી કરે છે તે વિશે કશું જ ન જાણતી શિલ્પાએ આ સવાલ પૂછવા સાથે તેમને ઑફર કરી કે તે પોતે જ તેમને અંકના પાનાંઓમાંથી કશુંક વાંચી સંભળાવશે.
ના બહેન. તમે મારા માટે અંક જ લેતા આવજો. મારો એક ભાઈબંધ મને વાંચી સંભળાવે છે. હું તેને કહીશ કે આ દિવાળી અંક પણ વાંચી સંભળાવે...હું પણ જોઉંને કે બહારની દુનિયામાં શું ચાલે છે.
* * * * * * *


(
Thursday, 31 October 2013 at 04:15pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભારતમાં આબાલ વૃધ્ધ સૌમાં બહેરાશનું એકસરખું વધતું પ્રમાણ.....
વૃધ્ધોમાં વધતી ઉંમરને કારણે...અને...
...અને...
...યુવાનોમાં કાર મોટરબાઇકના હૉર્ન સાંભળવાને કારણે...

ગયા મહિને અહીં મુકેલી સપ્ટેમ્બર – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

.....તેમજ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અહીં મુકેલી ઑક્ટોબર – 2012 તેમજ ઑક્ટોબર 2011ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/11/2012.html


(* નિશાની વાળી તસવીર : સાર્થક પ્રકાશનના સૌજન્યથી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

2 comments:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 86મી પોસ્ટ (11 નવેમ્બર 2013)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / રવિવાર, 15 ડિસેમ્બર 2013

    ReplyDelete
  2. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા ત્રણ વર્ષ પૂર્ણ થયા.
    86મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 11-11-2013 to 11-11-2014 – 250

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete