પ્રતિભાવો ઉર્ફે Comments

Wednesday, October 23, 2013

પપ્પા વિનાનું પહેલું વર્ષ


પ્રફુલ મહાસુખલાલ મોદી / Praful Mahasukhlal Modi
22-10-1940થી 23-10-2012

સાઇકલ શીખવાની ઉંમરે તે ચલાવવાનું આવડી જાય એ જ એક માત્ર લક્ષ્ય હોય. મારા માટે એ ઉંમર નવ-દસ વર્ષની વચ્ચે ખેડા જિલ્લાના ઠાસરા ગામે (યાત્રાધામ ડાકોરથી / Dakor નજીકનું ગામ) રહેતો ત્યારે આવી ગઈ હતી. અડધો કલાકના આઠ આના લેખે સાઇકલ ભાડે મળે. પૂરા દિવસ માટે પણ ભાડે મળે. જો કે એવી જરૂર ન પડે. મોટેભાગે શનિ-રવિની રજાના દિવસમાં પપ્પા સાઇકલ ભાડે અપાવવાનો બંદોબસ્ત કરે. એટલા માટે કે એમના માટે પણ બૅન્કમાં રજાનો દિવસ હોય એટલે સાઇકલ શીખવવામાં એમનું ધ્યાન રહે. સાઇકલની સીટ પર હથેળી ટેકવીને એ મહિનાભરના શનિ-રવિ મારી પાછળ દોડ્યા ત્યારે હું સાઇકલ ચલાવતાં શીખ્યો.

સાઇકલ ચલાવતાં શીખી ગયા પછીનો તબક્કો બીજાઓ કરતાં જુદો તો નથી પણ સૌને એવો અનુભવ હોય કે કેમ તે બાબતે હું નિશ્ચિત નથી. એ તબક્કો એવો છે કે સાઇકલ ચલાવવાનું શીખી ગયા પછી સરખેસરખી ઉંમરના મિત્રો એકબીજાને પૂછતા હોય કે ‘તું એક હાથે સાઇકલ ચલાવી શકે?’...‘તને એક હાથે સાઇકલ ચલાવતાં આવડે?’ હવે આજે પાછલી અસરથી સમજાય છે કે બાળપણના મિત્રો તરફથી થતી આવી પૂછપરછમાં ચડસાચડસીથી વિશેષ કોઈ તત્વ હતું નહીં. આગળ જણાવ્યું તેમ સાઇકલ ચલાવતાં શીખવી એ જ એક માત્ર ધ્યેય હોય ત્યાં એક હાથે સાઇકલ ચલાવવાનાં સરકસી ખ્યાલ આવે નહીં અને આવે તો તેવા વિચારને અમલમાં મુકવા જેટલી હિંમત મારી પાસે નહોતી.

જો કે એક હાથે સાઇકલ ચલાવવી પડે એવો દિવસ ઠાસરામાં રહેતાં જ આવી ગયો અને તે પણ પપ્પાને કારણે જ. દેવગઢ બારિયામાં / Devgadh Baria (એંસીના દાયકામાં ત્યારે પંચમહાલ જિલ્લાનું / Panchmahals અને આજે દાહોદ / Dahod જિલ્લાનું ગામ) બે વર્ષ રહી ફરી પાછા ઠાસરા / Thasra રહેવા આવ્યા તે સમયની વાત છે. ઉંમર ચૌદ-પંદર વર્ષ. એક દિવસ સવારે હાથમાં એક થેલી આપતા પપ્પાએ મને કહ્યું કે ‘આજે તું સ્કૂલે મોડો જજે. થેલીમાંની રકમ બૅન્કમાં જઈ મારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં / Public Provident Fund Account જમા કરાવી દેજે.’ મને યાદ છે કે એ સમયે તેઓ ઠાસરા નજીક આવેલા અંઘાડી ગામની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની / State Bank of India વિલેજ બ્રાન્ચના મેનેજર હતા. ત્યાં આ રીતે રકમ જમા કરાવવાની સગવડ નહોતી એટલે ઠાસરામાં રહેતા આ કામ કરવાનું મારે ભાગે આવ્યું હતું. ઘરથી બૅન્ક બે કિલોમિટર દૂર હતી. રોકડા વીસ હજાર રૂપિયા (સમય 1984 – 1985)ની થેલી લઇને ઘર બહાર નીકળ્યા પછી થેલીને મેં સાઇકલના હૅન્ડલ ફરતે બરાબર લપેટી. એમ કરવાથી મને સંતોષ ન થયો કે સલામતી ન જણાઈ એટલે પૂરા બે કિલોમિટરનો રસ્તો મેં એક હાથે સાઇકલ ચલાવીને કાપ્યો. એક હાથ હૅન્ડલ પર અને બીજો હાથ થેલી પર. પેડલ મારતો જઉં અને થેલી પર હાથ ફેરવતો જાઉં.

બૅન્કનું કામ પૂરું થયે હું બ્રાન્ચ મેનેજરની કૅબિનમાં ગયો અને કહ્યું કે અંઘાડી બ્રાન્ચ પર ફોન કરવો છે. રકમ જમા કરાવી દીધાની ખબર તેમને આપી એ તેમની સૂચના ઉપરાંતનું કામ હતું. સાંજે ઘરે આવીને મને પૂછ્યું કે મેનેજરે તને ફોન કેવી રીતે કરવા દીધો? તેં એમને શું કહ્યું હતું? બૅન્ક મેનેજરની હેસિયતથી એ જાણતા હતા કે મેનેજરની કૅબિનમાં જઇને ફોન કરવાની માગણી કરવી એટલે શું? આ એ જમાનાની વાત છે જ્યારે ટેલિફોન લક્ઝરી ગણાતો હતો.

*   *   *   *   *   *   *

મારા પિતા પ્રફુલભાઈ મોદી / Praful Modi સાથેનો આ પ્રસંગ હું ભૂલી શકતો નથી. મને એવું લાગે છે કે માતબર રકમની રોકડા રૂપિયા ભરેલી થેલી આપીને જ તેમણે મારા ભણતર સિવાયના ઘડતરની શરૂઆત કરી હશે.

ગયા વર્ષે 2012ના મે મહિનાથી તેમની તબિયતમાં ઉતાર-ચઢાવ શરૂ થયા. ઉનાળાના અને તેમાંય અમદાવાદની કાળઝાળ ગરમીના દિવસોમાં તેમને ઘર બહાર નીકળવું ગમતું નહીં એટલે તેમની પ્રવૃત્તિઓમાં આવેલી શિથિલતાને ઋતુચક્રમાં આવેલા ફેરફાર સાથે જ સાંકળીને અમે ઘરનાએ (મમ્મી સુધાબહેન મોદી અને પત્ની શિલ્પા મોદીએ) જોઈ. સતત ઘટતું વજન, થાક, કંટાળો, નિયમિત ભોજન પરત્વે અરૂચિ એવા લક્ષણો પણ દિવસો સુધી જોયા પછી જુલાઈના અંતમાં સારવાર માટે મીઠાખળી – અમદાવાદ સ્થિત એચસીજી મેડિસર્જ હૉસ્પિટલમાં દાખલ થયા. અઠવાડિયાની સારવારને અંતે જે નિદાન થયું તે ફેફસાના કૅન્સરનું હતું.

કૅન્સરનું નિદાન થયાની જાણ તરત તો તેમને કરી નહીં. સુરતમાં / Surat રહી કાર્ડિયોલોજિ પ્રૅક્ટિસ કરતા ફોઈના દીકરા ડૉ. રાજેશ પરીખ / Rajesh Parikh Dr. અમદાવાદ આવીને જ ‘પ્રફુલમામા’ને આ બાબતની જાણ કરે તેવો ખ્યાલ હતો. પરંતુ થયું એવું કે હૉસ્પિટલથી ઘરે આવ્યાની રાત્રે ટેલિવિઝન પર સમાચાર જોતા પપ્પાએ કવિ સુરેશ દલાલના / Suresh Dalal મુંબઈમાં થયેલા નિધનના સમાચારનો સ્ક્રોલ વાંચ્યો. એ સમાચાર પરત્વે મારું ધ્યાન દોર્યા પછી ખૂબ રડ્યા. એમને મનમાં કદાચ એવી ભીતિ બેસી ગઈ હતી કે હવે મારો અંત પણ નજીક છે. જીવલેણ રોગના નિદાન વિશે અરધી-પરધી જાણકારી ધરાવતો હું એમને અમદાવાદમાં કે શહેર બહાર ઉપલબ્ધ શ્રેષ્ઠ સારવાર માટે આશ્વાસન આપતો રહ્યો. વધુ સઘન સારવાર ક્યાં અને કેવી રીતે લેવી તેમજ ક્યારથી શરૂ કરવી તેવી અનેક બાબતો સંબંધે નિર્ણય લેવાનો બાકી હતો.

સાઇકલ શીખવાની અને એક હાથે સાઇકલ ચલાવવાની આગળ વર્ણન કરી તે ઘટનાને પચીસ ઉપરાંત વર્ષ વીતી ગયા હતા. તો ય અમારી વચ્ચે વાતની શરૂઆત તો એ ઘટનાના એક ભાગ એવા પ્રોવિડન્ટ ફંડ ખાતાથી જ થઈ. અડધી રાત વીતી ગયા પછી ઊંઘમાંથી ઉઠાડીને મને કહે કે ‘આ પ્રોવિડન્ટ ખાતાની પાસબુક છે. મારી સારવાર પાછળ થતો તમામ ખર્ચ આ રકમમાંથી જ કરવાનો.’ સવારે બૅન્કમાં જઈ એ રકમની વ્યવસ્થા કેમ કરવી તે બાબતે બધી સમજણ પાડ્યા પછી જ તેઓ સુઈ ગયા.

*   *   *   *   *   *   *

સારવાર કે તેની આર્થિક બાબતો ચિંતાનો વિષય નહોતા છતાં એમ કરનાર એવા મારા પિતા પ્રફુલ મહાસુખલાલ મોદી / Praful Mahasukhlal Modi 22મી ઑક્ટોબરે તોંતેરમો જન્મદિન ઉજવ્યા પછી બહુ થોડા કલાકોમાં મંગળવાર, 23મી ઑક્ટોબર 2012ની સવારે પીડારહિત મૃત્યુને પામ્યા. તે પહેલાં માત્ર અઢી મહિના જેવા ટૂંકા ગાળા માટે તેમની ફેફસાના કેન્સરની સારવાર અમદાવાદની ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સિવિલ હોસ્પિટલ)માં / Gujarat Cancer Research Institute / http://www.cancerindia.org/ ચાલી. વતન ગોધરામાં / Godhra 1940માં જન્મેલા તેઓએ માધ્યમિક અને કૉલેજ શિક્ષણ પૂના શહેરમાં મેળવ્યું હતું. વ્યવસાયે સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયામાં / State Bank of India / http://www.sbi.co.in/ કાર્યરત રહ્યા પછી 35 વર્ષની નોકરી બાદ તેઓ 2000ની સાલમાં આઈ.આઈ.એમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, વસ્ત્રાપુર) અમદાવાદ બ્રાન્ચના મેનેજર પદેથી વયનિવૃત્ત થયા હતા.

છ ભાઈ-બહેનોના પરિવારમાં તેઓ સૌથી નાના હતા. તેમનાથી બે મોટા બહેનો દિવંગત છે. મોટાભાઈ અને એક બહેન સંતાનો સાથે અમેરિકા રહે છે અને સૌથી નાના બહેન અમદાવાદમાં પરિવાર સાથે રહે છે. મમ્મી (સુધા મોદી / Sudha Modi) સાથેના લગ્ન થકી પરિવારમાં હું અને મારા પત્ની શિલ્પા / Shilpa Modi છીએ.

*   *   *   *   *   *   *

નોકરી અથવા વેપાર-વ્યવસાયમાંથી નિવૃત્ત થનાર વ્યક્તિની સવાર કેવી ઉગે અથવા દિવસ કેવી રીતે પસાર થતો હશે? એવો પ્રશ્ન થતો હોય તો હવે આગળ વાંચો.

દિવસના ચોવીસમાંથી ગમે તે કલાકે ડોરબેલ વગાડનાર વ્યક્તિ અજાણી હોય તો બારણું ખોલતા સહેજ ખચકાટ તો થાય જ. શહેરમાં આમ થવું સ્વાભાવિક છે પણ અમને ત્રણેયને એવો કોઈ ખચકાટ છેલ્લા આઠ-દસ વર્ષથી નહોતો થતો. ખાતરી જ હોય કે એ વ્યક્તિને પપ્પાએ જ બોલાવી હશે. ભલા, અજાણી વ્યક્તિને કોઈ પોતાને ઘરે શું કામ બોલાવે? થોડી ફોડ પાડીને વાત કરું.

ખાનગી, સરકારી કે અર્ધસરકારી નોકરી કે પોતાના ધંધા – વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને લોકો જાત-ભાતની પ્રવૃત્તિમાં મન પરોવતા હોય છે. કોઈને નવું કામ શોધવાની ફરજ પડતી હોય છે તો કોઈ સમાજસેવાથી લઈને પોતાનો પાળેલો શોખ પોષવાના કામમાં પ્રવૃત્ત થાય. મારા પપ્પા – પ્રફુલભાઈ મોદીએ પણ આવો એક શોખ પાળ્યો હતો. અજાણી વ્યક્તિને ઘર સુધી આમંત્રણ આપવાનો. ઓ.કે. પણ એ અજાણી વ્યક્તિને આમંત્રણ આપે કેવી રીતે? તેને ઘર સુધી બોલાવે કઈ રીતે? આવો સવાલ જો આપને થતો હોય તો એનો સિમ્પલ જવાબ છે – સવારનું છાપું. ચા પીતા જવાનું અને છાપું વાંચતા-વાંચતા ચોક્કસ જાહેરાતો પર લાલ સ્કેચ પેનથી માર્કિંગ કરતા જવાનું. એ જાહેરાતો મર્સિડીઝથી લઈને મેટ્રેસીસ વેચવા સુધીની હોય. તેમાં એના સેલ્સમેનના મોબાઇલ નંબર છાપેલા હોય. બસ એ મોબાઇલ નંબર ડાયલ કરવાના એટલે અજાણી વ્યક્તિ સાથે સંપર્ક થઈ જાય.

આટલું વાંચો એટલે બીજો સવાલ થાય કે આમ અજાણી વ્યક્તિને ઘરે બોલાવવામાં જોખમ નહીં? અને...આમને આમ મોબાઇલ કરતા રહો તો ટેલિફોનનું બિલ વધારે ના આવે? પહેલા સવાલનો જવાબ બધાને ખબર છે એટલે અહીં લખવાની જરૂર મને લાગતી નથી. હા, બીજા સવાલનો જવાબ છે કે ટેલિફોનનું બિલ એક નવો પૈસો પણ વધારે ના આવે. એનું કારણ પણ સિમ્પલ છે – મોબાઇલ કરવાનો જ નહીં, મીસકોલ કરવાનો.

ઘરે આવેલા નહીં, બોલાવવામાં
આવેલા સેલ્સમેન સાથે પપ્પા
બસ એ પછી સવારની ચાનો બીજો કપ નસીબ થાય તેની રાહ જોતા-જોતા પેલા સેલ્સમેનની પણ રાહ જોવાની. એ આવે એટલે પ્રોડક્ટનું લિટરેચર માગવાનું, થાકી જવાય ત્યાં સુધી સમજવાનું. મોટાભાગના પ્રોડક્ટ લિટરેચર અંગ્રેજીમાં જ હોય એટલે ગુજરાતીમાં માગવાનું અને ન હોય તો સલાહ આપવાની કે, ‘ગુજરાતમાં વસ્તુ વેચવી હોય તો લિટરેચર તો ગુજરાતીમાં હોવું જ જોઇએ.’ મોટાભાગના સેલ્સમેન પાસે તેમની આ દલીલનો કોઈ જવાબ ન હોય.

તેમના અવસાનના સમાચાર મેં જેને સૌથી પહેલા આપ્યા અને જેણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ‘ફેસબુક’ / Facebook પર પપ્પાના ફોટા સાથે મિત્રોને જાણ કરી તે પરમ મિત્ર પ્રણવ અધ્યારૂએ / Pranav Adhyaru મને એકવાર પૂછ્યું હતું કે,તારા પપ્પા સવારે શું કરે? ત્યારે મેં આ ઉપર વર્ણવી એ ઘટના તેને કહી હતી. એવી ઘટના જે તેમના માટે નિવૃત્તિની દિનચર્યા હતી. પેલા અજાણ્યા સેલ્સમેન સાથે મોટેભાગે એ ચાનો બીજો કપ પણ ઠપકારે. એ સેલ્સમેનોને તેમણે આર્થિક લાભ કેટલો કરાવ્યો હશે એ મારા માટે પણ સંશોધનનો વિષય છે.

સંશોધનનું તો ન કહેવાય પણ એમણે હાઈસ્કૂલ પછી અને કૉલેજ જતાં પહેલાં પૂનામાં / Pune, Maharashtra ટેક્નિકલ શિક્ષણ મેળવ્યું હતું. એ ટેક્નિકલ શિક્ષણ એમને સ્ટેટ બૅન્કની નોકરીમાં જરા જુદી રીતે ખપમાં આવ્યું. દર બે વર્ષે પ્રમોશન સાથે બદલી થાય એટલે નવા ગામમાં – નવા ઘરમાં પંખા, ટ્યૂબલાઇટ અને ગીઝર એ જાતે ફીટીંગ કરતા. જૂના ઘરમાંથી તેને ડિસમેન્ટલિંગ કરવાનું કામ પણ તેમણે જાતે જ કર્યું હોય.

બૅન્કની નોકરી તેમને મમ્મી સુધાબહેનના કાકા શાન્તિલાલ મથુરદાસ શાહે અપાવી હતી જેમનો એ ખૂબજ આદર કરતા. નોકરી ગમે ત્યાં હોય, ગોધરા કે વડોદરાના / Vadodara શાન્તિકાકાના ઘરે મળવાનું તે કદી ચૂકતા નહીં. ગામે-ગામ ફરવાને કારણે જ પોતાનું ઘર તેમણે ખૂબ મોડું બનાવ્યું. એ બાબતમાં ચંપાબા અને કાન્તિદાદા (નાના-નાની) તેમને અવાર-નવાર કહેતા રહેતા. અમદાવાદમાં આજે જ્યાં રહીએ છીએ તે અપાર્ટમેન્ટ ખરીદતાં પહેલા તેમણે ઓછામાં ઓછી પાંચસો સ્કીમ જોઈ હશે. બેઠક રૂમમાં પડતા બાથરૂમ – સંડાસના બારણા જોઇને તે હંમેશાં ટિપ્પણી કરતાં કે ભણેલા – ગણેલા પ્લાનર, એંજિનિયર કે બિલ્ડર આવા ઘર કેમ કરીને બનાવતા હશે.

અમદાવાદમાં એકવાર સાત વર્ષ નોકરી કરી ચૂક્યા હતા એટલે આ શહેરમાં પાછા ફરવાની તેમને અદમ્ય ઇચ્છા હતી. પ્રમોશનની શરતરૂપે છ-સાત વર્ષ ઠાસરા, દેવગઢ બારિયા, દાહોદ, ઝાલોદ / Jhalod, લીમખેડા / Limkheda, અંઘાડી / Angadi જેવા ગામમાં નોકરી કર્યા પછી 1986માં તેઓ અમદાવાદ / Ahmedabad પાછા આવી શક્યા. ભણવામાં મારે દસમા ધોરણનું અને ગુજરાત / Gujarat માટે 1985ના અનામત આંદોલનનું વર્ષ હતું એટલે શરૂઆતના છથી આઠ મહિના તે વસુફોઈના ઘરે રહ્યા. એ સમયે નીતાબહેન એ.ઇ.સી.-આજની ટોરન્ટ પાવરની નોકરી સ્વીકારી ચૂક્યા હતા એટલે નવીનફુઆની સાથે તેમનો પણ નોકરીનો સમય સચવાઈ જતો હતો. ભણવાનું પૂરું કરી ચૂકેલા લીનાબહેન વસુફોઈની મદદમાં રહેતાં અને પપ્પાને સમયસર જમવાનું પીરસતા હતા. પચીસ વર્ષ પછી આ એટલા માટે યાદ કરવું પડે છે કેમ કે એ સમય સચવાયો ન હોત તો પપ્પાની બૅન્કની નોકરી પણ સચવાઈ ન હોત. આજે કમ્પ્યૂટરને કારણે નથી રહ્યા પરંતુ એ સમયે બૅન્કના સ્ટાફ વચ્ચે ગામડાં અને શહેરના એવા ભેદ રહેતા અને પપ્પાને તેમના કામના પરફોર્મન્સને આધારે ‘કટ ટુ સાઇઝ’ કરવાના અનેક પ્રયત્નો થતા.

અમદાવાદ શહેરમાં એ વખતે બૅન્કની સીત્તેર જેટલી શાખાઓ હતી. તેમની દર પંદર-વીસ દિવસે બદલી કરી દેવામાં આવતી. ક્યારેક તો એ સમયગાળો એક અઠવાડિયા કરતા પણ ઓછો હોય. એમ કરતા એ પચાસેક જેટલી શાખાઓમાં છૂટક છૂટક નોકરી કરી ચૂક્યા હતા. મને યાદ છે કે એકવાર તેમની સાથે કામ કરતા એક ઓફિસર સાથે અમદાવાદમાં કોણે કેટલી બ્રાન્ચમાં કામ કર્યું છે તેની ચર્ચા ચાલતી હતી. આમ તો ખુદને બીજાથી ચઢિયાતા સાબિત કરવાની ‘નંબર ગેમ’ હતી. પેલા ભાઈની સરખામણીએ પપ્પાની બ્રાન્ચ સંખ્યા ઓછી થઈ. જો કે એમણે છેલ્લો દાવ નાંખતા હોય તેમ પેલા ભાઈને પૂછ્યું કે,તમે મીઠાખળી બ્રાન્ચમાં કામ કર્યું છે?ત્યાં કેવી રીતે કામ કર્યું હોય? એ તો વુમન સ્પેશ્યલાઇઝ્ડ બ્રાન્ચ છે.’ પપ્પાએ જવાબ આપ્યો કે ‘મેં તો ત્યાં ય કામ કર્યું છે. લોકલ મૅનેજમેન્ટે પંદર દિવસ – મહિના માટે મને ત્યાં પણ ડેપ્યુટેશન / Deputation પર મૂક્યો હતો.’

વાત જાણે એમ હતી કે 1985નું વર્ષ સંયુક્ત રાષ્ટ્રસંઘએ / United Nations / http://www.un.org/en/આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ’ / International Year for Women તરીકે જાહેર કર્યું હતું. તેની ખાસ ઉજવણી કરવા સ્ટેટ બૅન્કે મીઠાખળીમાં નવી શાખા શરૂ કરી, તેમાં માત્ર મહિલા કર્મચારી – અધિકારીઓની જ નિમણૂક કરી અને ‘સેવા’ / SEWA / http://www.sewa.org/ સંસ્થાના સ્થાપક ઇલાબહેન ભટ્ટ / Ela Bhatt પાસે બૅન્કનું ઉદઘાટન કરાવ્યું. જો કે એ શાખાના કોઈ મહિલા અધિકારીને અચાનક રજા પર ઉતરવાનું થતાં પપ્પાને ત્યાં ડેપ્યુટેશન પર મુક્યા હતા.

ડેપ્યુટેશન એટલે આમ તો હંગામી નિમણૂક. પણ સ્ટેટ બૅન્કની મીઠાખળી બ્રાન્ચ આજે 2013માં જ્યાં છે તે બિલ્ડીંગમાં જ આવેલી મેડિસર્જ – એચ.સી.જી. હૉસ્પિટલમાં / HCG Hospital, Ahmedabad / http://www.hcgahmd.com/ તેમને ફેફસાનું કૅન્સર હોવાનું નિદાન થયું. ના એ નિદાન હંગામી નહોતું, કાયમી હતું. દિવસ, ના સાંજ હતી. મંગળવાર, 7મી ઑગસ્ટની સાંજ. જીવનમાં અચાનક અંધારું ઉતરી આવ્યું હોય તેવું લાગે એવી સાંજ. બસ એ પછી દવાઓ – સારવાર અને કૅન્સર નિષ્ણાત હોવા ઉપરાંત પારિવારિક સ્વજન એવા ડૉ. પંકજભાઈ શાહની / Pankaj Shah Dr. / http://hoomfindia.org/ અંગત દરકારથી બરાબર અઢી મહિના – અગિયાર અઠવાડિયા પપ્પા અમારી વચ્ચે રહ્યા. ફરી પાછી એ જ મંગળવાર, 23મી ઑક્ટોબરની સવાર. ત્રણ દીકરાઓના પરિવાર સાથે અમેરિકા રહેતા મોટાકાકાએ (હસમુખભાઈ શાહ / Hasmukh Shah / http://www.youtube.com/user/HasuHasmukh) બે દેશો વચ્ચેના સમય તફાવતને કારણે નાના ભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવવા બીજા દિવસની સવારે જ નવ વાગ્યાની આસપાસ ફોન કર્યો. માંદગી, સારવારની અને અન્ય પારિવારિક વાતોના અંતે પપ્પાએ ખૂબ સારું ગાઈ શકતા મોટાભાઈ સમક્ષ ગીતો સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. મોટાકાકાએ સચીન દેવ બર્મન / Sachin Dev Burman અને કે.સી. ડેનું / K.C. Dey એક-એક ગીત દૂર દેશાવર રહ્યે ફોનમાં જ ગાઈ સંભળાવ્યું. એ પછી દસ – દસ પાંચનો સમય. ધોયેલા કપડાં ગેલેરીમાં સુકવવા જતી શિલ્પાએ તેમના છેલ્લા શ્વાસ જોયા – ન જોયા અને એ ચાલી નીકળ્યા. જમવાનું બનાવતી મમ્મીએ રોટલી-ભાખરીના વધેલા ગુલ્લાંને બાજુ પર હડસેલ્યા તો મેં સવારનું છાપું. ગેસની બંધ થતી જતી જ્યોત જોતાં જાણે કે અનુભવાય કાળી ડિબાંગ રાત્રિનો પ્રારંભ.


હિન્દુ તિથિ પ્રમાણે વિક્રમ સંવત ૨૦૬૮ના આસો સુદ નોમના દિવસે અવસાન પામેલા પપ્પાને આ વર્ષે વિક્રમ સંવત ૨૦૬૯ની છેલ્લી નવરાત્રિ – દશેરાની સંયુક્ત તિથિને દિવસે રવિવાર 13મી ઑક્ટોબરે એક વર્ષ પૂરું થયું. દરેક ગુજરાતીની જેમ પપ્પાને પણ ભાવતા હતા (કોને ન ભાવતા હોય?) એવા ફાફડા – જલેબીથી ખ્યાત દશેરાના દિવસે નવું વાહન ખરીદવાનો પણ મહિમા છે. મેં પણ એ દિવસે નવું વાહન ખરીદ કર્યું – સાઇકલ. હવે સ્વતંત્રપણે જ ચલાવવાની છે તેવી સાઇકલ પાછળ દોડનાર કે હથેળીનો ટેકો કરનાર પપ્પા રહ્યા નથી એ મારા માટે ખોટની ખતવણીનું પહેલું પાનું છે.

Saturday, October 19, 2013

રતિલાલ ચંદરયા : ગુજરાતી કક્કાને કમ્પ્યૂટરના વાઘા પહેરાવનારની વિદાય


રતિલાલ ચંદરયા 24-10-1922થી 13-10-2013

ધનની દેવી લક્ષ્મીની કૃપા તો હતી જ પણ તેણે મને લેક્સિકોનના માધ્યમથી દેવી સરસ્વતીની સેવા કરવાની તક આપી તેને હું મારું સૌભાગ્ય સમજું છું.

ચાર વર્ષ અગાઉ ઑક્ટોબર – 2009માં ગુજરાતી લોકકોશના લોકાર્પણ પ્રસંગે આ શબ્દોમાં પ્રતિક્રિયા આપનાર રતિલાલ ચંદરયા / Ratilal Chandaria માટે કહેવું જોઇશે કે 13 ઑક્ટોબર 2013ની રાત્રે તેઓ પરમ સૌભાગ્યને પામ્યા. તેમનું આખું નામ આ એક વાર લખ્યું તે લખ્યું, બાકી આગળ તો તેમનો ઉલ્લેખ ‘રતિકાકા’ નામે જ થવાનો.

તો જગતના એંસી / Eighty (કોઈ ભૂલચૂક નથી!) દેશોમાં વેપાર ખેડતા અને તે સંબંધિત વહીવટી કામગીરી માટે અંગ્રેજી ટાઇપરાઇટરને હાથવગું રાખતા રતિકાકાને પ્રશ્ન થયો કે આ હું જે કામકાજ કરું છું તે મારી માતૃભાષા ગુજરાતીમાં થાય કે નહીં? અને કમ્પ્યૂટર પર થાય કે નહીં તેવો બીજો પ્રશ્ન થયો કારણ કે તેનું આગમન થઈ ચૂક્યું હતું. પ્રશ્નો હતા તો તેના ઉકેલ પણ હતા. જો કે એ સરળ નહોતા અને પ્રારંભિક તબક્કે તે ‘ખર્ચાળ’ ઉકેલની કૅટેગરીમાં આવતા હતા. આર્થિક પ્રશ્ન તો ખેર નહોતો જ પણ ઉકેલ આપવાના નામે કોઈ દોઢી – બમણીથી ય વધુ રકમની માગણી કરે તે રતિકાકાને મંજૂર નહોતું. એવા કંઈક ટ્રબલશૂટિંગને પાર પાડતા પાડતા ગુજરાતી ભાષા માટે જે અવતારી કાર્ય થયું તે આ ગુજરાતી લેક્સિકોન / Gujarati Lexicon http://www.gujaratilexicon.com/ 


‘અઢળક’ શબ્દ ઓછો પડે એટલા ધનમાં આળોટતા વિશ્વના અને ભારતના ધનકુબેરોની યાદી વારે-તહેવારે ફોર્બ્સ / Forbes સામયિક પ્રકટ કરતું રહે છે. એ ધનકુબેરોએ મોજ-મસ્તી, પરિવારની સુખાકારી માટે કેવો-કેટલો ખર્ચ કર્યો અને જન્મદિને કે લગ્નદિને પત્નીને હેલિકૉપ્ટર, હોડી કે હલેસુંશેની ભેટ ધરી તેના સંખ્યાબંધ તસવીરી અહેવાલો દૈનિક અખબારોમાં પ્રકાશિત થતાં રહે છે. ખુદના માટે આ કે આવા તમામ પ્રકારના શોખ પાળી-પોષી શકે તેટલા શ્રીમંત એવા રતિકાકા આ બધાથી દૂર રહ્યા. કેમ? એવો પ્રશ્ન થાય તો એનો દાખલો પણ તેમના જીવનમાંથી જ મળે તેમ છે.

લોકકોશનું લોકાર્પણ : (ડાબેથી) રતિલાલ ચંદરયા, નીતાબહેન શાહ અને ડૉ. પ્રદીપ ખાંડવાળા (*)
આગળ ઉલ્લેખ કર્યો છે તે લોકકોશના લોકાર્પણનો કાર્યક્રમ અમદાવાદની પંચતારક (ફાઈવસ્ટાર!) ગણી શકાય એવી હોટેલમાં આયોજિત થયો હતો. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના / Gujarat Informatics Limited / http://www.gil.gujarat.gov.in/ ડિરેક્ટર નીતાબહેન શાહની / Nita Shah ઉપસ્થિતિમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ-અમદાવાદના પૂર્વ નિયામક ડૉ. પ્રદીપ ખાંડવાળાએ / Pradip Khandwala લોકાર્પણની વિધિ સંપન્ન કરી. એ પછી આમંત્રિત મહેમાનો – પત્રકારો માટે જમવાની વ્યવસ્થા હતી. વાનગીઓના ટેબલ પર ગોઠવાયેલા પકવાન – ફરસાણ સામે આંગળી ચીંધીને કોઇએ તેમને પૂછ્યું... ‘તમારા માટે જમવામાં શું પીરસી લાવીએ?’...રતિકાકાનો જવાબ હતો...મને એક સૅન્ડવિચ બનાવી આપો અને સાથે થોડા દાળ-ભાત. આ મૂળભૂત સાદગીએ જ તેમને શબ્દ-સાહિત્યની સેવા કરવા તરફ વાળ્યા હોવા જોઇએ એમ ચોક્કસ કહી શકાય.

ગુજરાતી ભાષા – સાહિત્ય પર સરસ્વતી દેવીની કૃપા વરસતી રહે અને લક્ષ્મી દેવી ક્યાંય અંતરાયરૂપ ન બને તે જોવાની જેમણે નૈતિક જવાબદારી સ્વીકારી હતી તેવા બે નામ આપણને ઉદ્યોગ જગતમાંથી તાજેતરના વર્ષોમાં મળ્યા. એક રતિલાલ ચંદરયા અને બીજા બળવંતરાય પારેખ. (બળવંતરાય પારેખ : સાહિત્યના પારખુ / http://www.binitmodi.blogspot.in/2013/01/blog-post.html) બન્નેને 2013ના એક જ વર્ષમાં ગુમાવ્યા તે મોટી ખોટ. એવી ખોટ કે જેઓએ આ કામ માટે કદી નફા-નુકસાનનો હિસાબ માંડ્યો નહોતો.


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી)

Tuesday, October 15, 2013

દિલીપ ધોળકીયા : પડોશી ગુમાવ્યાની પીડા, સરનામામાં સામેલ થયાનો આનંદ

દિલીપ ધોળકિયા : 15-10-1921થી 02-01-2011

ગુજરાત અને ગુજરાતીઓ જેમને ગાયક – સંગીતકાર તરીકે ઓળખે છે એવા દિલીપ ધોળકીયાની અંગતતમ ઓળખાણ મને ઉર્વીશ કોઠારી દ્વારા થઈ હતી. શાસ્ત્રીય સંગીતના વાર્ષિક જલસા જેવા સપ્તકના કાર્યક્રમો જ્યાં આયોજિત થાય છે તે કાશીરામ અગ્રવાલ હોલ નજીકનું ગોયલ ટેરેસનું નિવાસસ્થાન છોડીને તેઓ વસ્ત્રાપુરમાં હિલ્લોરા રેસીડેન્સીમાં મારા ઘરની નજીક રહેવા આવ્યા હતા. મોબાઇલનો વ્યાપ વધ્યા પહેલાના એ દિવસોમાં તેમનો સંપર્ક કરવાની જરૂર ઉભી થતાં હું પહેલીવાર ઉર્વીશ / Urvish Kothari વતી તેમના ઘરે ગયો હતો. લેન્ડલાઇન ફોન જૂના ઘરેથી ટ્રાન્સફર નહોતો થયો એ સંજોગોમાં મારે એમને ઉર્વીશ કોઠારીની સાથે-સાથે સુરત ખાતે હરીશ રઘુવંશીનો / Harish Raghuvanshi સંપર્ક કરવાનું કહેવાનું હતું.

એમણે ફોન તો કર્યો જ, એ કામ પોતે કરી લીધું છે તેની પહોંચ મને પણ ફોન કરીને આપી. આવી નાની નાની કાળજી બહુ ઓછા લોકો લઈ શકે છે. દિલીપકાકા તેમાંના એક હતા. મુંબઈ અમદાવાદ વચ્ચે વહેંચાયેલા રહેતા દિલીપકાકા એ પછી વખતોવખત પોતે મુંબઈથી અમદાવાદના ઘરે આવી ગયા છે તેવી પહોંચ આપતા રહ્યા. ફોન કરે અથવા મોર્નિંગ વોકમાં નીકળતા સાદ આપે.

દિલીપ ધોળકીયા અને ઉર્વીશ કોઠારી : સંવાદનો સમય મધરાતના સવા બે
તેમને મળવા જઉં એટલે મુંબઈ પાછા ફરવાની તારીખ કહે. ઉર્વીશની સાથે ચંદ્રશેખરભાઈ વૈદ્ય, રંજનબહેન અને અરવિંદભાઈ દેસાઈ તેમજ ગ્રામોફોન ક્લબના ખબરઅંતર અચૂક પૂછે. ગુજરાતી – અંગ્રેજી દૈનિકો અને સામયિકોની ક્રોસવર્ડ પઝલના ખાલી ખાનાં ઉલટભેર ભરતા દિલીપકાકા ક્યાંક અટકે તો સંભવિત જવાબોની ચર્ચા પણ કરે. ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરમાં ગણપતિ સ્થાપન કરે અને વિસર્જન અગાઉ સગાં-સંબંધીઓની સાથે મિત્રોને યાદ કરીને આમંત્રિત કરે. ગીત સંગીતના અનેક જાહેર કાર્યક્રમો આપનાર દિલીપ ધોળકીયા / Dilip Dholakia માટે જાણીને નવાઈ લાગશે કે તેઓ ગ્રામોફોન ક્લબના / Gramophone Club કાર્યક્રમની તારીખ સાથે તેમના અમદાવાદ આગમનના દિવસોનો તાલ મિલાવતા. ગાયક મિત્ર બદરીનાથ વ્યાસ / Badrinath Vyas સાથે ગ્રામોફોન ક્લબનો કાર્યક્રમ માણતા. એ પછી ટાગોર હોલથી ઘર સુધીની સફરના સાથીદાર બનતા દિલીપકાકા જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં અમદાવાદમાં કાશીરામ અગ્રવાલ હોલ ખાતે યોજાતા શાસ્ત્રીય સંગીતના વાર્ષિક જલસા સપ્તકમાં / Saptak / http://www.saptak.org/ થતી રજૂઆતોને આરંભથી મધરાત સુધી માણતા.

આ જલસો હવે તેમના ઘરથી નજીક આઈઆઈએમ-અમદાવાદના જૂના કેમ્પસ સામે આવેલી અમદાવાદ યુનિવર્સિટીની મેનેજમેન્ટ કૉલેજમાં આયોજિત થાય છે. પરંતુ કાશીરામ અગ્રવાલ હોલથી નજીક આવીને વસ્ત્રાપુરમાં વસેલા દિલીપકાકા હવે મારી-તમારી પહોંચ ન હોય એવી દૂર-દેશાવરની જગ્યાએ જઇને વસ્યા છે.

તેમની ગાયકી અને સંગીત સદાકાળ યાદ રહેશે પરંતુ તેમની સાથે જીવેલી ક્ષણોની ખોટ પડે છે. અંગત ધોરણે આશ્વાસન લઈ શકું તો એટલું કે તેમની પડોશમાં રહેતા નેહરૂપાર્ક – વસ્ત્રાપુરમાં જ્યાં રહું છું તે રોડ હવે ‘પીઢ સંગીતજ્ઞ શ્રી દિલીપ ધોળકીયા માર્ગ’ તરીકે ઓળખાય છે. આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન / Ahmedabad Municipal Corporation અને તત્કાલીન મેયર અસિત વોરા દ્વારા 24 એપ્રિલ 2013ના રોજ તે અંગેની સત્તાવાર જાહેરાત થઈ તે પછી મેં મારા ઘરના સરનામામાં ફેરફાર કરીને એક લાઈન ઉમેરી છે – ‘શ્રી દિલીપ ધોળકીયા માર્ગ’. દિલીપકાકા જેવા પડોશીને ગુમાવવાની પીડા પછી આનંદ એ વાતનો છે કે તેમનું નામ મારા સરનામામાં જોડાઈ ગયું – કાયમ માટે.


તસવીરો : બિનીત મોદી