પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, April 01, 2014

નિયમો અને નાગરિક : શસ્ત્ર વિનાનું શાસ્ત્ર


(આપણા રોજબરોજના જીવનમાં જન્મથી લઈને મૃત્યુ વાયા લગ્ન સુધીની અનેક બાબતોમાં અનેક નિયમો એવા હોય છે, જે જાણવાથી કે ન જાણવાથી આપણા જીવનમાં મોટો ફેર પડી શકે છે. આવા કેટલાક ગંભીર નિયમોની રમતિયાળ શૈલીમાં પ્રાથમિક જાણકારી.)

દુનિયાના કોઈ પણ દેશમાં દિવસ ચોવીસ જ કલાકનો હોય છે. કુદરતી ક્રમમાં કરોડો – અબજો વર્ષોથી ચાલી આવતો આ અફર નિયમ છે, જે કોઈનાથી અજાણ્યો નથી. છતાં આ બ્રહ્મજ્ઞાન આપણને આપણા ભારત દેશની સરકારી ઑફિસોમાં વિના મૂલ્યે અને છૂટથી પીરસવામાં આવે છે. આવી કોઈ ઑફિસમાં કામ લઈને જઈએ અને એ કામ એક ધક્કે પૂરું થઈ જાય તો ભલભલા નાસ્તિકો ઈશ્વરના અસ્તિત્વમાં માનતા થઈ જાય એની ગેરંટી. આપણા ઇચ્છેલા કામમાં વહેલું-મોડું થતું જણાય અને સહેજ અધીરાઈના ભાવ આપણા ચહેરા પર આવ્યા તો ગયા કામથી. ટેબલની પેલી બાજુ બેઠેલા સરકારી મહાશય (કે મહાનારી) તાડૂકીને તમને જ્ઞાન આપતાં કહેશે, ‘મારે બે જ હાથ છે.આ જ્ઞાનના ભજિયા પર માહિતીની ચટણી પીરસતાં એ જણાવશે, ‘મારી પાસે પણ તમારી જેમ ચોવીસ જ કલાક છે.’ આ ભૌગોલિક માહિતી આપવાનો અર્થ એટલો જ કે કામ તો એની તરાહમાં થતું રહેશે બિલકુલ નિયમબદ્ધ. પણ તમારે નિયમોની ઉપરવટ જઇને કરાવવું હોય તો એની તરાહ જુદી છે અને ટેબલ પણ.

આનો અર્થ એવો જરાય નથી કે કેવળ સરકારી ક્ષેત્રે જ પારાવાર નિયમો છે. ખરેખર તો લખેલા અને વણલખ્યા અનેક નિયમો આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે, અને ક્યારેક તો ભીંસે છે. આવા કેટલાક નિયમોની એક ઝલક લઈએ તો ખ્યાલ આવશે કે નિયમ આપણા માટે છે કે આપણે નિયમો માટે છીએ?

મોટા ભાગના લોકોની સવાર છાપાથી પડે છે. માનો કે તમારે વધુ દિવસ માટે ગામ-પરગામ કે વિદેશ જવાનું થયું તો તમને સ્વાભાવિકપણે થશે કે ફેરિયો એટલા દિવસ પૂરતું છાપું ન નાખે. તમે એને એ મુજબની સૂચના આપી દો એટલે બીજા દિવસની સવારથી તમારા દરવાજે છાપું મૂકવાનું બંધ થઈ જશે એવી સમજ તમે કેળવી હોય તો એ મોટી ગેરસમજ છે. ફેરિયાભાઈ તમને જણાવશે, ‘છાપું તો આવતા મહિનાની પહેલી તારીખથી જ બંધ થશે.

એમ કેમ?’ના જવાબમાં તે જણાવશે કે તેણે એટલે કે ફેરિયાભાઈએ પોતાના એજન્ટ પાસે આખા મહિનાની નકલ નોંધાવી દીધી હોય છે. તમારા જેવા અધવચ્ચેથી છાપું મંગાવવાનું બંધ કરે તો તમારા ભાગની વધેલી નકલનો એ ચેવડો બનાવે? કળિયુગમાં ક્યારેક સતયુગી અપવાદ જોવા મળી જાય એ રીતે અમુક નગણ્ય અપવાદને બાદ કરતાં આ નિયમ સાર્વત્રિક છે. માટે નિયમ નંબર એક : છાપું આપણી મરજીથી ગમે ત્યારે મંગાવી શકાય છે, પણ આપણી મરજી મુજબ ગમે ત્યારે બંધ થઈ શકતું નથી.

પણ એમ કેટકેટલું અને શું શું યાદ રાખીએ?’ આ સવાલ મનમાં ઊગે એ પહેલાં જ તેને ડામી દેજો.

જન્મ, લગ્ન અને મૃત્યુ મનુષ્યજીવનની મહત્વની ઘટનાઓ કહી શકાય. પણ જન્મ અને મરણ આપણા હાથમાં નથી. એમ તો લગ્ન પણ આપણા હાથમાં નથી, એવી દલીલ થઈ શકે. પણ દલીલને બાજુએ મૂકીને નિયમ જાણી લો. ઘરમાં પરિવારમાં બાળકનો જન્મ થાય એટલે જન્મ થયાના ચૌદ દિવસમાં નોંધણી કરાવી લેવી જરૂરી છે. બાળકનો જન્મ થયો હોય તે નર્સિંગ હોમ હૉસ્પિટલના ડૉક્ટરે સ્થાનિક વહીવટીતંત્રને આ બાબતની લેખિત જાણ ચૌદ દિવસની સમયમર્યાદામાં કરી દેવી પડે એવો નિયમ છે. પણ માનો કે કોઈ કારણસર એમ ન થઈ શકે તો? તો જુદો નિયમ લાગુ પડે અને પ્રતિ દિન મુજબ દંડ ભરવાનો રહે. જો કે, એ રકમ એટલી નજીવી છે કે ડૉક્ટરને, તેમના સ્ટાફને કે બાળકનાં મમ્મી-પપ્પાને નોંધણી કરાવવાની આળસને પાળવાનું પંપાળવાનું પોસાય છે. જન્મની નોંધણી કરાવતી વખતે બાળક કે બાળકીનું નામ હજી પાડ્યું ન હોય તો કંઈ વાંધો નહીં. બાળકનું નામ તેની ફોઈ પાડે એવી હિન્દુ પરંપરા છે. હવે તો માતા કે પિતા પણ આ ભૂમિકા ભજવતા થયા છે. નામકરણ જે કરે તે, પણ બાળક ત્રણસો પાંસઠ દિવસનું થાય તે પહેલાં તેનું નામ નક્કી કરીને નોંધાવી દેવું જોઈએ તેવો નિયમ છે.

માનો કે, નામકરણનો ફોઈનો હક તેમને બજવવા દેવાનું નક્કી થાય છે. એ માટે ફોઈને આમંત્રણ આપવા માટે ફ્રેશ ફાધરનો હાથ ફોન પર જાય અને ક્રૅડલ પરથી તે રિસીવર ઉપાડે ત્યારે તેને જાણ થાય છે કે પોતાનો ટેલિફોન ડેડ થઈ ગયો છે. હવે? કરો કમ્પલેન. લાઇન ફોલ્ટ ક્યાં અને કેવા પ્રકારનો છે એ તો જાણવા મળે ત્યારે ખરું. પણ તરત કમ્પલેન નોંધાવી હોય તો એ દિવસથી જ ગણતરી ચાલુ થઈ જાય. શેની? એ જ કે ટેલિફોન સતત સાત દિવસથી વધુ સમય માટે બંધ રહે તો એટલા સમયગાળા માટે તમે ભાડામાં રિફન્ડ માંગી શકો. ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનો આ નિયમ છે. લૅન્ડલાઇન ફોન બંધ થયાની ફરિયાદ કરવા માટે પણ સૌથી પહેલો તો લૅન્ડલાઇન ફોન જ શોધવાનો. પાડોશી પાસે હોય તો ઉત્તમ. ટેલિફોન બંધ થયાની પહેલી ફરિયાદ તો ફોનથી જ રજિસ્ટર કરાવવી પડે એવો નિયમ છે. એ પછી પણ ફોન ચાલુ ન થાય અને તમે લખાપટ્ટીથી માંડીને લમણાઝીંક કરે રાખો એ જુદી વાત છે.

નવાસવા પપ્પાનો હરખ સમાય નહીં તે સમજી શકાય એવું છે. કોઈ પણ રીતે બહેનને નામકરણ માટે બોલાવવા માંગતો ભાઈ છેવટે મોબાઇલના શરણે જાય છે. ઓળી ઝોળી પીપળ પાન, ફોઈએ પાડ્યાં એક્સ વાય ઝેડ નામએવી કહેવત અને આડીઅવળી વાતો બહેનને સંભળાવીને ભાઈ મૂળ મુદ્દા પર આવે એટલે બહેન તરત જ વ્યવહારુ સમજણ આપતાં કહે છે, ‘ભઈલા...ભાભીના સીમંતની વિધિમાં આવી ત્યારે જ તારે મને કહી દેવાની જરૂર હતી કે નામ મારે પાડવાનું છે. ખબર હોત તો શું કે સાઠ દિવસ પછીનું રિઝર્વેશન લઈ લેતી ને!મતલબ કે ટ્રેનમાં આરક્ષિત-રિઝર્વ્ડ ટિકિટ પર મુસાફરી કરવી હોય તો વધુમાં વધુ સાઠ દિવસ પહેલાં જ બુકિંગ કરાવી શકાય.

કોઈ પણ ભોગે બહેનને બોલાવવા માગતો ભાઈ છેવટે બનેવીનું શરણું લે છે. બનેવીલાલ...તમારે ત્યાં તત્કાલનું કેમનું છે?’ આ સાંભળતાં જ બનેવીલાલ તાડૂકી ઉઠે કે તત્કાલની બારીએ મને ઊભો રાખીને ઑફિસનું બારણું મારા માટે કાયમ બંધ કરાવવું છે કે શું, સાલેસા? મારે ઑફિસમાં નવને પચીસે હાજર થવું પડે. ઉપર એક મિનિટ પણ થાય એટલે અડધી રજા ગણાઈ જાય એવો અમારે નિયમ છે. સરકારી, અર્ધસરકારી અને ખાનગી નોકરીઓમાં આ નિયમનો કેટલાક ખડ્ડુસ બોસ એ હદે કડકાઈથી અમલ કરતા હોય છે કે પાંચ મિનિટ મોડો પડેલો કર્મચારી અડધી રજા ભોગવવા કાં તો સિનેમાનું શરણું લે અથવા તો સુપરમાર્કેટમાં આંટાફેરા મારતો થઈ જાય.

અડધી રજા ગણાઈ જાય એની તો મોટી મોંકાણ છે. ઉછીનાપાછીના અને લોનના હપ્તા ભરવાનો જોગ કરીને વસાવેલી મોટરસાઇકલ પર સમયસર ઑફિસે પહોંચીએ તો માલિકથી માંડીને ચપરાસી સુધીના સૌને સારા લાગીએ. પણ એ જ નવીનક્કોર મોટરસાઇકલને કંપની ફ્રી સર્વિસમાં સોંપવા માટે કલાક આઘાપાછા થવાની રજા માંગીએ તો આપણી કંપનીના માલિકોના ભવાં તંગ થાય. એમાંને એમાં પહેલી ફ્રી સર્વિસજાય. તોય આપણને થાય કે વાંધો નહીં, બીજી સર્વિસ વખતસર કરાવી લઈશું.

બીજી સર્વિસનો વખત થાય અને એ માટે તમે સર્વિસ સ્ટેશને પહોંચો એ સાથે જ તમારી જ્ઞાનસંપાદન પ્રક્રિયા શરૂ થઈ જાય. વાહનને ચકાસીને મિકેનિક મહાશય રિપોર્ટ આપે છે કે એમાં અમુક-તમુક સ્પેરપાર્ટ ખરાબ થઈ ગયા છે. સુપરવાઇઝર સાહેબ એ રિપોર્ટ પર મત્તું મારતા જણાવે કે એ સ્પેરપાર્ટ બદલવાના રોકડા ગણી આપવા પડશે. ક્લચ દબાયેલો રાખીને અચાનક છોડવામાં આવે એવો આંચકો આપણા હૃદયમાં લાગે. આપણે પૂછીએ કે ભાઈ, કંપનીએ આપેલી વૉરન્ટીનું શું? કે જેમાં ચોક્કસ સમયગાળામાં બગડતા સ્પેરપાર્ટને બદલી આપવાનું લેખિત આપેલું હોય છે. પૂછતાં તમને બ્રહ્મજ્ઞાન થાય કે જેના પર મુસ્તાક હતા એ વૉરન્ટી તો ચાલી ગઈ છે. કેમ કે પહેલી સર્વિસ કરાવવાનું આપ મહાશય ચૂકી ગયા છો. એમાં શું? ફ્રી સર્વિસ મફત જ હતી ને. ના પણ કરાવીએ. એથી શું થઈ ગયું?’ આવી દલીલોનો અર્થ રહેશે નહીં. એનું કારણ પણ જાણી લો.

કંપનીએ આપેલી વાહનની ફ્રી સર્વિસનો લાભ ખરીદનાર તરીકે ન લો, તો ઉત્પાદક કંપની માટે એ ખોટનો સોદો બની રહે છે. એટલા માટે કે ભાવિ ગ્રાહક આવી ફ્રી સર્વિસનો લાભ લેશે એમ માની લઇને જ ઉત્પાદક કંપની સ્પેરપાર્ટના ઉત્પાદન સામે કેટલીક એક્સાઇઝ અને ટેક્સ રાહતો સરકાર પાસેથી આગોતરા ધોરણે મેળવી લે છે. વર્ષે દહાડે તેનું ટેક્સ ઑડિટ પણ થાય. એ રાહતો ગ્રાહક સુધી પહોંચી છે તેની ખાતરી કરાવવાનો એક જ રસ્તો ઉત્પાદક કંપની પાસે હોય છે. એ રસ્તો એટલે ફ્રી સર્વિસની કૂપન. ફ્રી સર્વિસનો લાભ નહીં લઈ શકવાની તમારી બેદરકારી કંપનીની ટેક્સ રાહતોની બાદબાકી કરી દે છે. એમ ન થાય એટલે તેને વૉરન્ટીના લાભાલાભ સાથે સાંકળી લેવામાં આવી છે.

કલાક, દિવસ, માસિક, ત્રિમાસિક, છમાસિક (અર્ધવાર્ષિક), વર્ષથી લઈને દાયકા સુધીના નિયમો હોય. દાયકા સુધીના નિયમો હોય? કેમ ન હોય? જમીન કે સ્થાવર-જંગમ મિલકત માટે ભાડાપટાનો કરાર નવ્વાણું વર્ષનો થાય છે. એટલું ખરું કે કરાર કર્યા પછી તેને રિન્યૂ કરવાનું કે પૂરો કરવાનું એ કરનારના ભાગે ભાગ્યે જ આવે.

વળી પાછા જન્મની વાત પર આવીએ. બાળકનો જન્મ થાય એની નોંધણી કરાવવી પડે એ સાચું, પણ એ પહેલાં એના મમ્મી-પપ્પાનું લગ્ન નોંધાયેલું હોવું જોઈએ એવો નિયમ છે. બાળકના જન્મની કાયદેસરતા તો જ નક્કી થઈ શકે. કલાકોના લગ્નજીવનની કે ક્ષણિક આવેશમાં લેવાતા છૂટાછેડાની નવાઈ નથી તેવા યુરોપીય દેશોમાં એવા પણ દાખલા નોંધાયા છે કે છૂટાછેડા લેવા માટે પણ લગ્નની નોંધણી કરાવવી પડી હોય. ભારત દેશે એ પરિસ્થિતિ મનઃસ્થિતિએ પહોંચવાનું હજી બાકી છે.

આવું જ મૃત્યુની બાબતમાં છે. સ્વજનોએ મૃત્યુ પામનારની નોંધણી મૃત્યુ થયાના એકવીસ દિવસમાં કરાવી લેવી જોઈએ એવો નિયમ છે. એ જ રીતે ગુમ થયેલી વ્યક્તિની ભાળ મેળવવા માટે બોત્તેર કલાકમાં વિધિસરની પોલીસ ફરિયાદ દાખલ કરવી પડે એવો નિયમ છે. અને એવી વ્યક્તિ સતત તપાસના અંતે પણ ના મળી શકે તો સાત વર્ષ પછી તેને મૃત માની લઈ એ બાબતની સત્તાવાર જાહેરાત કરાવવા માટે કૉર્ટનું શરણું લઈ શકાય એવો નિયમ છે. કૉર્ટના ચુકાદાના આધારે જ સત્તાવાળા એવી વ્યક્તિ માટે મરણનું પ્રમાણપત્ર આપી શકે છે. આ પણ નિયમ. કેદારનાથ દુર્ઘટનામાં ગુમ થયેલા કેટલાક હતભાગીઓના સ્વજનોએ આ નિયમોનો મને-કમને ઉપયોગ કરવો પડ્યો હશે.

જન્મ, લગ્ન અને મૃત્યુની નોંધણીની વાત જાણ્યા પછી એ પણ નવાઈ લાગે એવી વાત છે ને કે જે તે વ્યક્તિના ભાગે પોતાના લગ્નની નોંધણી કરાવવાની જ જવાબદારી આવે છે કે જ્યાંથી તેની જવાબદારી ખરેખર શરૂ થાય છે.

તમે જવાબદાર નાગરિક હો તો તમને ભૂત-વર્તમાન અને ભાવિના તમામ નિયમોની જાણકારી છે એમ માની લેવાયું છે. કાયદાની પરિભાષા કંઈક એવી છે કે ગુનો કર્યો હોય તો તેની સજા શું પડે એ બાબતથી તમે અવગત છો એમ માની જ લેવાયું છે. એવું જ નિયમોની બાબતમાં છે. તમે નાગરિક છો તો સઘળા નિયમોની જાણકારી છે જ એવું માની લેવાયું છે. પણ થાય છે એવું કે આ નિયમોની જાણકારીનો આપણને ખપ પડે ત્યારે તે બદલાઈ ગયા હોય છે. કેમ કે નિયમો પણ આ સંસારની જેમ પરિવર્તનને આધીન હોય છે. પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો સંબંધિત અસરકર્તાઓને (ખરેખર તો અસરગ્રસ્તોને) જણાવવું જ પડે એવો કોઈ નિયમ નથી.

આધીનઅને અસરકર્તાશબ્દો પરથી યાદ આવ્યું કે નિવૃત્તિની અવસ્થામાં ભરણપોષણ માટે તમે ભાવિ પેઢી પર પરાધિન ન હો, એટલે કે આપ સરકારી પેન્શન મેળવતા હો, તો તમારે બાર મહિનામાં દિવાળીની સાથે સાથે નવેમ્બર મહિનો પણ અચૂક યાદ રાખવો રહ્યો. મોટે ભાગે નવેમ્બર મહિનામાં આવતા દિવાળીના તહેવારમાં પૂરતા ફટાકડા ફોડી લીધા પછી તમને પેન્શન મળે છે તે બૅન્કમાં પહોંચીને તમારે પોતાની હયાતીનો ધડાકો કરવાનો હોય છે કે હું જીવતો છું’. તમે આ માટે તમારું વાહન જાતે ચલાવીને જાવ કે ભાડાની રિક્ષામાં બેસીને જાવ એ અગત્યનું નથી.

વાહન પોતાનું હોય તો એ વાહનની પહેલી વાર નોંધણી કરાવ્યાના પંદર વર્ષ પછી રી-રજિસ્ટ્રેશન કરાવવું પડે એવો નિયમ છે. એમ ન કરાવીએ તો એવા વાહનનો વીમો આપવા માટે વીમાકંપની નનૈયો ભણી શકે છે. હવે આજકાલ ક્યાં પહેલાં જેવાં વાહનો બને છે તે પંદર-પંદર વર્ષ ટકે ને નોંધણીની જફામાં પડવું પડે?’ આવું શાબ્દિક આશ્વાસન લેવું હોય તો લઈ શકાય, કેમ કે આશ્વાસન લેવા આડે એકેય નિયમ આડો આવતો નથી.

એ જ રીતે નવા વાહનનું રજિસ્ટ્રેશન તેને ખરીદ કર્યાના સાત દિવસમાં કરાવી લેવાનો નિયમ છે. તમે ઇચ્છો એ સિરિઝ કે અનુક્રમ નંબર આવવાને સમય લાગે તેમ હોય તો હંગામી નંબર મેળવવાનું રજિસ્ટ્રેશન કરાવી લેવું એવો નિયમ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ તેની મુદત વીત્યે ત્રીસ દિવસમાં રિન્યૂ કરાવી લેવાનો નિયમ છે. સંજોગોને આધીન તેને એકાદ મહિનો વહેલું રિન્યૂઅલ કરાવી શકાય, પણ એથી પહેલાં નહીં. નિયમ છે.

ઉંમર વધે છે એટલે નિવૃત્તિ આવે છે કે નિવૃત્તિને કારણે ઉંમર વધે છે એ દિશામાં સંશોધન થવું બાકી છે. પણ વધતી ઉંમર અને નવરાશને કારણે માંદગી આવે એ અફર છે. તમને થાય કે મેડિક્લેમ વીમા પૉલિસી છે પછી ચિંતા શાની? વાત બરાબર છે. પણ આ પૉલિસી રિન્યૂ થયેલી હોવી જોઈએ. એમાં એક પણ દિવસનો ખાડો પડે એ ન ચાલે. પણ માનો કે એવો ખાડો પડ્યો તો શું? તો જમા થયેલું બધું જ બોનસ અને બીજા લાભાલાભ શૂન્ય થઈ જાય અને પછી જીવતા રહેવું હોય...સૉરી...પૉલિસીને જીવતી કરવી હોય તો એકડે એકથી શરૂ કરવી પડે. આ નિયમ છે.

જીવનવીમાની પૉલિસીની બાબતમાં પણ આમ જ છે. પૉલિસી મેળવતી વખતે અને પહેલું પ્રીમિયમ ચૂકવતી વખતે તેની નિયમિત ચૂકવણી માટે જે પણ વિકલ્પ અપનાવ્યો હોય તેમાં એ ચૂકવવા માટે છૂટના દિવસો મળે છે. એ દિવસો વીતી જાય પછી દંડનીય વ્યાજની રકમ ગણાવાની શરૂ થાય એવો નિયમ છે.

જેટલી વાર માંદા પડો એટલી વાર ડૉક્ટર અને હૉસ્પિટલ બદલાઈ જાય. એવું જ મેડિક્લેમના નિયમોનું છે. સારવારક્ષેત્રે જેટલાં સંશોધનો થતા રહે છે તેનાથી અધિક સંશોધનો તેના નિયમો બાબતે થાય છે. તેમાં પારંગત થવાના બે જ રસ્તા છે. એક તો એ કે મેડિક્લેમ પૉલિસી મેળવો અને બીજો છે એ લીધા પછી માંદા પડો. માંદા પડો ત્યારે એ નિયમ યાદ રાખો કે હૉસ્પિટલમાં દાખલ થયાના ચોવીસ કલાકમાં વીમા કંપની કે તેની નિયત કરેલી થર્ડ પાર્ટી આર્બિટ્રેટર કંપની (TPA)ને આ બાબતની જાણ કરી દો અને સારવારનાં બિલ ફાઇલમાં સાચવી રાખો.

ફાઇલશબ્દ પરથી યાદ આવ્યું કે આવકવેરાનું રિટર્ન ફાઇલ કર્યું કે નહીં? જવાબ હાકે ના’, પણ ખાતરી રાખજો કે નિયમો લાગુ પડવાના જ છે. એ નિયમો તમે કમાણી કરવી શરૂ કરી ત્યારે અને આવકવેરો ચૂકવવા જાવ ત્યારે જુદા જુદા હોવાના. તમને કયો નિયમ લાગુ પડે છે તે જાતે અથવા નિષ્ણાતની મદદ લઈ ચકાસી લેવું એવો નિયમ પાળવો હિતાવહ છે.

હાથ ઊંચો કરો અને બસમાં બેસોએવા બોર્ડ એસ.ટી. બસ પર જોવા મળે છે. તમારા હાથમાં ટિકિટ હોય અને પ્લૅટફૉર્મ છોડતી ટ્રેને ગતિ ન પકડી હોય તો ચાલુ ગાડીએ ડબ્બામાં પણ ચઢી શકાય છે. પણ હવાઈ મુસાફરીમાં એ શક્ય નથી. તમારી પાસે એર ટિકિટ ભલે હોય, પણ બોર્ડિંગ પાસ મેળવવા માટે મુસાફરીના સમયથી એક કલાક પહેલાં એરપોર્ટ પહોંચવું પડે એવો નિયમ છે. પરદેશ જવાના હો તો આ એક કલાકમાં બીજો એક કલાક ઉમેરી દેવાનો. દરિયાઈ માર્ગે થતી મુસાફરીમાં પણ આવો જ નિયમ લાગુ પડે છે. વિદેશની મુસાફરી શરૂ કરતાં પહેલા પાસપોર્ટ તો જોઈ તપાસી લીધો છે ને? મુલાકાત લેવાની છે એ દેશનો વિઝા ભલે મેળવ્યો હોય, પણ મુસાફરીના દિવસે એ પાસપોર્ટ ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા ધરાવતો હોવો જોઇએ. નહીં તો પરદેશના એરપોર્ટ પરથી આપ લીલા તોરણે પાછા આવી શકો છો. નિયમ છે. એમાં આપણું કશું ન ચાલે.

પરદેશની મુસાફરી તો સંભવતઃ લાંબા સમય માટે જ હોય એમ સામાન્યપણે માની લેવાયું છે. તો ઘરથી લાંબો સમય બહાર રહીને ઘરની દેખભાળ રાખવા માટે પણ ચોક્કસ નિયમો પાળવા પડે. ટેલિફોન અને લાઇટ બિલ ચુકવવાની વ્યવસ્થા તમે કરીને ગયા હો એમ માની લઈએ. પણ એલ.પી.જી. સિલિન્ડરનું શું ? સળંગ 180 દિવસ યાને છ મહિના સુધી નવા રીફિલનું બુકિંગ ન કરાવો તો આપનું ગૅસજોડાણ રદ થઈ શકે છે. આ સંજોગોમાં લાગુ પડતા નિયમ અન્વયે માની લેવામાં આવે છે કે છ મહિના સુધી આપને ગૅસની જરૂર નથી પડી તો હવે ભવિષ્યમાં પણ ક્યારેય પડશે નહીં. એટલે આની વ્યવસ્થા પણ કરી જવી. ભાડું ભરવાની અને તેનું એડવાન્સ પેમેન્ટ કરવાની શરતે ટેલિફોન કનેક્શનને તેના ડિપાર્ટમેન્ટ પાસે જમા કરાવી શકાય છે, પણ એલ.પી.જી. સિલિન્ડર કનેક્શનમાં આવી કોઈ સુવિધા હોતી નથી.

બુકિંગ કરાવાયેલો રીફિલ ગ્રાહકના નોંધાયેલા સરનામે જ ડિલિવર કરવો એવો નિયમ છે. એલ.પી.જી. વપરાશ સાથે સંકળાયેલાં જોખમોને લીધે આ નિયમનો એવો કડકાઈથી અમલ થાય છે કે ઘર બંધ હોય તો ડિલિવરી માટે બીજો પ્રયત્ન કરવામાં આવે. ત્યારે પણ ઘર બંધ હોય તો સિલિન્ડરની ડિલિવરી ઑફિસે આવી જાતે લઈ જશોતેવો સંદેશો પાઠવવામાં આવે છે. પરંતુ કોઈ પણ સંજોગોમાં અડોશ-પડોશના ઘરમાં ડિલિવરી કરવી નહીં તેવી ડિલિવરી-પર્સનને સ્પષ્ટ સૂચના હોય છે. આનું શું કરવું એ તમે જાણો.

વૅકેશનમાં ભાણિયા ભત્રીજાઓની કે પછી કોઈ શુભ-અશુભ પ્રસંગને લઈને ઘરમાં મહેમાનોની અવરજવર વધી પડી છે અને ગૅસ સિલિન્ડર સામાન્ય દિવસોની સરખામણીએ ઝડપથી ખલાસ થઈ જાય છે. કરવું શું? કશું નહીં. એક રીફિલ બુકિંગ કરાવ્યા પછી એકવીસ દિવસ દરમિયાન બીજો રીફિલ બુક થઈ શકતો નથી એમ નિયમ કહે છે.

બૅન્કના વ્યક્તિગત કે વ્યવસાયી ખાતા અને બૅન્ક લૉકર (સેફ ડિપોઝિટ વોલ્ટ) માટેના સંચાલન માટેય નિયમ છે. ખાતામાં સળંગ છ મહિનામાં લેવડદેવડ ન કરો તો એ ખાતું નિષ્ક્રિય (ડૉર્મન્ટ) થઈ જાય અને ખાતાધારક પોતે જ તેનો ઉપયોગ ન કરી શકે. બૅન્‍કના લૉકરનો ઉપયોગ વર્ષમાં એક વાર અચૂક કરવો જ એવો નિયમ અત્યાર સુધી હતો. છેલ્લામાં છેલ્લો નિયમ એવો છે કે એક વરસમાં લૉકરનો ઉપયોગ વધુમાં વધુ બાર વખત કરી શકાશે. તેનાથી વધુ વખત લૉકરનો ઉપયોગ કરનારે વધારાનો ચાર્જ ભરવો પડશે. એ જ રીતે વરસમાં ઓછામાં ઓછો ત્રણ વખત લૉકરનો ઉપયોગ કરવો ફરજિયાત છે. તેનાથી ઓછી વખત લૉકર વાપરનારે દંડ ભરવો પડશે. ટૂંકમાં મહિને કે બે મહિને એક વાર લૉકરના દર્શન કરવાનો નિયમ રાખો તો વધારાના ભાડાથી બચી શકાય. એ લૉકરની ચાવી સાચવીને રાખવી. પણ એ ખોવાઈ જાય તો? તો એ ચાવી માટે ફૂટપાથ પર બેસતા કારીગરને બોલાવવા રખે જતા! ડુપ્લિકેટ ચાવી બૅન્ક સત્તાવાળાઓની સૂચના-ભલામણથી માત્ર લૉકર બનાવનાર કંપની પાસેથી જ મળી શકે એવો નિયમ છે.

માનો કે તમારા બૅન્ક ખાતાનું કે લૉકરના વપરાશસંબંધી યોગ્ય નૉમિનેશન કરાવવાનું રહી ગયું છે. તો ભાવિ પેઢીના વારસદારોએ તે હક્ક મેળવવા માટે કૉર્ટનો આશરો લેવો એવો બૅન્કનો નિયમ છે. બૅન્કમાં કરેલા લેવડદેવડના વ્યવહારોસંબંધી માહિતી પાસબુક કે બૅન્ક સ્ટેટમેન્ટ મારફતે મળે છે. એમાં કોઈ ભૂલ હોય તો પંદર દિવસની સમયમર્યાદામાં બૅન્ક સત્તાવાળાઓનું લેખિતમાં ધ્યાન દોરવું એવો નિયમ છે. નહીં તો એ વ્યવહારો આપને બંધનકર્તા છે એમ માની લેવાયું છે. આ જ નિયમ નાણાંકીય લેવડદેવડના વ્યવહારોની એસ.એમ.એસ. મારફત મળતી સૂચનાને પણ લાગુ પડે છે, જેમાં જાણ કરવા માટેની મર્યાદા બારથી ચોવીસ કલાક વચ્ચેની બાંધવામાં આવી છે.

એસ.એમ.એસ. સેવા શેના દ્વારા આપણા સુધી પહોંચે છે? મોબાઇલ ફોન દ્વારા. એના નિયમોની વાત ના કરીએ તે કેમ ચાલે? પણ એ નિયમો ગ્રાહકોના લાભાર્થેસતત બદલાતા રહે છે એટલે તેની જાણકારી માટે તો જે તે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીની વેબસાઇટની મુલાકાત લેવી એ જ ઉત્તમ રસ્તો છે. જો એમ કરતાં આપને તમામ નિયમોની જાણકારી મળી જાય, અને એમાં સમજણ પણ પડે તો આપને પીએચ.ડીની માનદ ઉપાધિ આપીને મોબાઇલની કાયમી ઉપાધિમાંથી મુક્તિ અપાવવાનો ખયાલ છે.

આ બધી ભાંજગડમાં એ ન ભૂલતા કે લેખના પ્રારંભે પેલું બાળક જન્મ્યું છે એને ભણાવવા માટે બાળમંદિરમાં મૂકવાનું છે. એ ત્રણ વર્ષનું થાય ત્યાં સુધીમાં તેને મૂકી દેવાનો નિયમ છે.

અને છેલ્લો, પણ અગત્યનો નિયમ. દીપાવલી નૂતન વર્ષના દિવસોમાં પ્રકાશિત થયેલો આ લેખ દેવદિવાળી સુધીમાં વાંચી લેવો એવો પણ નિયમ છે-અને નહીં હોય તો હવે થશે. હા, ઉનાળા વૅકેશન ટાણે બ્લોગ સ્વરૂપે પુનઃપ્રકટ થતા આ લેખ-પોસ્ટને ઉઘડતી સ્કૂલ – કૉલેજ પહેલા વાંચી લેવો. નિયમ છે, જાણો છો ને?

(નોંધ: બીરેન કોઠારી, દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી અને ધૈવત ત્રિવેદીના સંપાદન હેઠળ પ્રકાશિત થયેલા અર્ધવાર્ષિક વિશેષાંક ‘સાર્થક જલસો’ના દિવાળી 2013 અંક – પુસ્તક 1 માં ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો.)


(તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

1 comment:

  1. સૌ મિત્રો,
    બ્લોગની 100મી પોસ્ટ (1 એપ્રિલ 2014)ના વાચન માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 15 ઑગસ્ટ 2014

    ReplyDelete