પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, April 18, 2014

દાક્તરોએ ડૉક્ટર આંબેડકરને યાદ કર્યા, પહેલી જ વાર!


અમદાવાદ એક એવું શહેર છે જ્યાં વર્ષના 365 દિવસ કાર્યક્રમો ચાલતા રહે છે. લિપ યર હોય તો 366 દિવસ પરોગરામ ચાલતા રહે છે. આ ‘પરોગરામ’ શબ્દ મુંબઈનિવાસી નાટ્યકાર મનોજ શાહએ / Manoj Shah / http://www.ideasunlimited.org/ આપેલો છે અને એટલી કબૂલાત કરીને મારી વાત આગળ વધારું છું. એક-બે આંગળીઓના વેઢે ગણાય એવા અડધો ડઝન દિવસો વર્ષમાં એવા આવે કે એ દિવસે તો કાર્યક્રમોનો રાફડો જ ફાટે. એકસરખા વિષયવસ્તુ ધરાવતા દરેક બીબાંઢાળ કાર્યક્રમોમાં સમયસર પહોંચવું હોય, ફરી વળવું હોય તો ચૂંટણી ટાણે નેતાઓ ઉડાઉડ કરે છે તેવું હેલિકૉપ્ટર્ ભાડે લેવું પડે. આમ કર્યા પછી પણ ચોવીસ કલાક ઓછા પડે.

14 એપ્રિલ આવો જ એક દિવસ છે – ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ. બાકીના દિવસો તેમણે ઘડેલા બંધારણને / Constitution of India ઘડીભર યાદ નહીં રાખનારા, તેને કોરાણે મુકનારા, વિધાનસભા – સંસદમાં તેના લીરા ઉડાડનારા નેતાઓ આ દિવસે ઉમટી પડે. કહ્યું ને ચોવીસ કલાક પણ ઓછા પડે. ડૉ. બી.આર. આંબેડકરની / Bhimrao Ramji Ambedkar Dr. સ્મૃતિમાં કાર્યક્રમ આયોજિત કરનાર સંસ્થા અમદાવાદ મેડિકલ ઍસોસિએશનની બાબતમાં પણ એમ જ બન્યું. રાત્રે સાડા નવ પછી કાર્યક્રમ શરૂ થયો અને મુખ્ય વક્તાનો નંબર આવ્યો ત્યારે ડાયસ પર બેઠેલા મહાનુભાવોના બગાસા ખાતા ખુલ્લા મોંમાં દસ-સવા દસનો સમય જોઈ શકાતો હતો.

(ડાબેથી) કાર્યક્રમના બે આયોજકોની સાથે આર.એમ. પટેલ,
રમેશચંદ્ર પરમાર અને ડૉ. એમ.એમ. પ્રભાકર
કાર્યક્રમનો નિર્ધારિત સમય તો સાડા આઠનો હતો પણ શરૂઆતનો પ્રથમ કલાક ભોજન વ્યવસ્થાને ન્યાય આપવામાં પસાર થયો. અમદાવાદના આશ્રમરોડ પર આવેલા હેન્ડલૂમ હાઉસની પાછળ આવેલા અમદાવાદ મેડિકલ ઍસોસિએશન / Ahmedabad Medical Association – AMA / http://ahmedabadmedicalassociation.com/ ભવનના બીજા માળે આવેલા નાનકડા સભાખંડમાં ગોઠવેલી ખુરશીઓ જેટલા શ્રોતાઓ આવી ગયા એટલે કાર્યક્રમ શરૂ થયો. નાનકડા સભાખંડના નાનકડા ડાયસ પર ખુરશીઓની પણ ભીડ હતી. એક ભાઈને અમથો જ વિવેક કર્યો કે, મારી બાજુની ખાલી ખુરશીમાં બેસો. જવાબ મળ્યો, ‘ના, મારે તો સ્ટેજ પર બેસવાનું છે.’ એક જ ફૂટની નીચાઈ (ઊંચાઈ નહીં) ધરાવતા ‘સ્ટેજ’ પર બેસવા માટે ‘મહાનુભાવોનો મેળો’ જામ્યો. જોઈને થયું કે મારી બાજુમાં બેસવાનું પસંદ નહીં કરનારા ભાઈની હવે તો સ્ટેજ પરથી પણ જગ્યા ગઈ. પણ એ ભાઈ ખાસ્સા સ્વાવલંબી નીકળ્યા. પ્લાસ્ટિકની ખુરશી જાતે જ ઊંચકીને સ્ટેજ પર ગોઠવી દીધી અને પોતે પણ ગોઠવાઈ ગયા.

રમેશચંદ્ર પરમાર
શ્રોતાઓને આવકાર, કાર્યક્રમનો હેતુ, મહેમાનોનો પરિચય અને સ્વાગત, બાબાસાહેબની તસવીરને પુષ્પહાર, દીપ પ્રાગટ્ય અને મેમેન્ટો-સ્મૃતિચિહ્ન અર્પણ જેવી વિધિઓ આટોપાઈ એ પછી વક્તાઓનો વારો આવ્યો. પ્રથમ વક્તા હતા દલિત અગ્રણી અને ઉત્તમ વક્તાની જાહેર ઓળખ ધરાવતા રમેશચંદ્ર પરમાર / Rameshchandra Parmar. આયોજકોએ તેમને આપેલો વિષય હતો – આંબેડકર : એક રાષ્ટ્રીય નેતા / Ambedkar : A National Leader. વક્તવ્યના પ્રારંભે જ તેઓએ જણાવ્યું કે આજના દિવસની તેમની આ પાંચમી સભા છે અને ભણેલા-ગણેલા લોકો વચ્ચેની તો પહેલી જ. પોતે બહુધા ઝૂંપડપટ્ટીઓ, ચાલીઓમાં કે ફૂટપાથ પર જ અને સામાન્ય લોકને સમજાય તેવી ભાષામાં વક્તવ્ય આપવા માટે જાણીતા છે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી. નજીકના ભૂતકાળમાં થયેલા કેટલાક અભ્યાસો અને ડૉ. આંબેડકર પરદેશમાં જ્યાં ભણ્યા હતા તે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંબંધે રજૂ કરેલા તારણોનો આધાર લઈને તેમણે ભીમરાવ રામજી એક સ્કોલર હતા તે તો સાબિત કરી દીધું. જો કે તેમને આપવામાં આવેલા વિષય અનુસાર ડૉ. આંબેડકરને નેતા / Leader રૂપે ઉપસાવવામાં ગાંધીજી તેમજ સમકાલીનોની ફૂટપટ્ટી વાપરવાને કારણે ઊણા ઊતર્યા.

ડાયસ પર...સોરી...સ્ટેજ પર બેઠા હતા એ તમામે બોલવાનું હતું કે નહીં તેની ખબર નહીં પણ તમામે એવું માની લીધેલું કે પોતે વક્તા તો છે જ. એમ થોડાક વક્તાઓ પછી વારો આવ્યો. ડૉ. એમ.એમ. પ્રભાકરનો. અમદાવાદની જગવિખ્યાત સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ. બોલવાનું શરૂ કર્યું એ પહેલા તેમના વિષયની જાણ ન થઈ અને વક્તવ્ય પૂરું થયું ત્યાં સુધી એ શું બોલ્યા તે ખબર ન પડી. પોતે કોઈ વક્તા નથી, આંબેડકર કે તેમના પ્રદાન વિશે ઝાઝું જાણતા નથી એવો દર બીજી મિનિટે એકરાર કરતા-કરતા તેઓ ખાસ્સું એવું દસ મિનિટ જેટલું બોલી ગયા. શિક્ષણ તેમજ સરકારી નોકરીઓમાં અનામતની તેમજ દર દસ વર્ષે તેની સમીક્ષા કરી રિન્યૂ કરવાની જોગવાઈથી રાજી-રાજી એવા ડૉ. પ્રભાકરને તબીબી વિદ્યાશાખાની બેઠક સંખ્યા ઓછી લાગે છે. ઉચ્ચશિક્ષણ લીધા સિવાયની કોઈ કારકિર્દી જગતમાં હોઈ શકે જ નહીં તેવું ઠસાવવા માગતા ડૉ. પ્રભાકરને સાંભળીને તેમની સલાહ અમલમાં મુકી શકે તેવા કોઈ યુવક-યુવતી સભામાં હાજર નહોતા એ ડૉક્ટરની કમનસીબી.

આર.એમ. પટેલ
આમ થોડા વક્તાઓ પછી છેલ્લે વક્તવ્ય આપવાનો વારો આવ્યો આર.એમ. પટેલનો. ગુજરાત સરકારની સનદી સેવાઓમાંથી વેળાસર નિવૃત્તિ લઈ રાજકારણમાં સમયસર ઝંપલાવનાર આર.એમ. પટેલ / R.M. Patel ભારતીય જનતા પક્ષની ટિકિટ પર પ્રથમવાર ચૂંટાયેલા અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમણે ડૉ. આંબેડકરના પ્રદાન સંબંધી તથ્યો આધારિત કેટલીક વાતો કરી.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર સહિતના નોંધપાત્ર હોદ્દાઓ સંભાળી ચૂકેલા આર્થિક વિશેષજ્ઞ ડૉ. નરેન્દ્ર જાધવ / Narendra Jadhav Dr. લિખિત આંબેડકર પરનું એક અંગ્રેજી પુસ્તક સંદર્ભ માટે સાથે લઈને આવેલા આર.એમ. પટેલ સહિતના તમામ વક્તાઓનો એક સૂર એવો હતો કે સાથી વક્તા તરીકે રમેશચંદ્ર પરમાર હોય પછી અમારે તો વળી શું કહેવાનું હોય? એમના જ્ઞાનની આગળ અમારી જાણકારી તો પાણી ભરે...વગેરે. જો કે રમેશચંદ્ર પરમારએ એવો કોઈ અનુભવ કરાવ્યો નહીં.

યુવાન વયે હૃદયરોગના હુમલાથી અવસાન પામેલા અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શ્રેણીક શાહની / Shrenik Shah Dr. શોકસભા આ જ સ્થળે મોટા હોલમાં કાર્યક્રમને સમાંતર ચાલી રહી હોવાથી અહીં ડૉક્ટરોની હાજરી ઓછી હતી. કાર્યક્રમ તેના અંત ભણી આગળ વધી રહ્યો હતો. હેતુ જણાવ્યા પછી કે મુખ્ય વક્તાઓના વક્તવ્યો સાંભળ્યા પછી પણ આ કાર્યક્રમના આયોજન પાછળનો કોઈ આશય સ્પષ્ટપણે દેખાતો નહોતો. શોકસભામાં હાજરી આપીને ઉપસ્થિત થયેલા અને હોદ્દાની રૂએ ડાયસ પર હાજર અમદાવાદ મેડિકલ ઍસોસિએશનના પ્રમુખ ડૉ. વિદ્યુત દેસાઈએ સાથી ડૉક્ટરમિત્રોને યાદ અપાવ્યું કે થોડીક આપણી, આપણા ફિલ્ડની પણ વાત કરોને. અહીં ફિલ્ડ એટલે તબીબી વ્યવસાય. સારવારના પ્રકાર કે તે સાથે સંકળાયેલી આર્થિક બાબતોથી નારાજ દર્દી કે મોટેભાગે સાથે રહેનારા તેના સગાં-સંબંધી ડૉક્ટર કે હૉસ્પિટલના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કે ક્યારેક હિંસક મારામારી પણ કરી બેસે છે. આવી ઘટનાઓ સામે અત્યાર સુધી અસુરક્ષિત એવા ડૉક્ટરોને થોડા સમય પહેલાં કાયદાનું રક્ષણ મળ્યું છે. ગુજરાત વિધાનસભાએ આ સંદર્ભે એક ખરડો પણ 29 માર્ચ 2012ના રોજ પસાર કર્યો છે. ‘ગુજરાત તબીબી સેવા અથવા તબીબી સંસ્થામાં હિંસક ગુના રોકવા તેમજ મિલકતનું નુકસાન રોકવા – 2012 એ નામના બીલને અંગ્રેજીમાં Gujarat Medicare Service Persons and Medicare Service Institutions (Prevention of Violence and Damage or Loss of Property, Guj 13 Act 2012) એવા લાંબાલચક નામથી ઓળખાવાયો છે.

ડૉક્ટર - હૉસ્પિટલને હિંસક હુમલા સામે રક્ષણ આપતો કાયદો
એએમએના પ્રમુખ ડૉ. વિદ્યુત દેસાઈ ઇચ્છતા હતા એવી વાત ડાયસ પરનું કોઈ કરી શકે તેમ નહોતું. કારણ કે એ માટે અભ્યાસ અને સમજ બન્ને જોઈએ. કાયદાનો અભ્યાસ અને તેને ડૉ. આંબેડકર કે તેમણે આપેલી લડત સાથે પોતાની વાતને સાંકળવાની સમજ. સારવારથી નારાજ દર્દીનાં સગાં હિંસક મારામારી પર ઉતરી આવે તેની સામે ન્યાય મેળવવા ડૉક્ટર, હૉસ્પિટલ કે તેના કર્મચારીઓએ ચોક્કસ લડત આપવી જ જોઇએ. એ માટે તો દેશના પ્રથમ કાયદાપ્રધાન ડૉ. બી.આર. આંબેડકરનું / Dr. B.R. Ambedkar નામ જ કામમાં આવે. ઉપરોક્ત કાયદાની છણાવટ કરતું, સમજ આપતું લેમિનેટેડ બૉર્ડ સભામાં ઉપસ્થિત સૌ શ્રોતાઓને આપવામાં આવ્યું ત્યારે જ ખ્યાલ આવ્યો કે ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશનની / Indian Medical Association / http://www.ima-india.org/ એક શાખા એવા અમદાવાદ મેડિકલ ઍસોસિએશનએ તેના દાયકાઓ જૂના ઇતિહાસમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરવાનો પ્રસંગ પહેલી જ વાર કેમ પડ્યો. પડે...પડે...ક્યારેક આંબેડકરનો પણ ખપ પડે.

અમદાવાદ મેડિકલ ઍસોસિએશન ખાતે આ પ્રકારની વિચારગોષ્ઠિઓ વારંવાર થવી જોઇએ એવું પણ એક સૂચન વક્તાઓ વચ્ચેથી આવ્યું. બેશક થવી જ જોઇએ. એક-બે રૂમના નર્સિંગહોમથી લઈને નાની-મોટી હૉસ્પિટલના બાથરૂમ – સંડાસના સફાઈકામ માટે માત્રને માત્ર દલિત વ્યક્તિની પસંદગી કરવાથી લઈને પેથોલોજી પરીક્ષણ માટે આવતા માનવમળના / Stool Samples બોટલબંધ નમૂનાને પણ હાથમાં લેવાનું ટાળતા કે તેના નિકાલ માટે દલિત સફાઈ કામદારના આવવાની રાહ જોતા ડૉક્ટરો – તબીબમિત્રો કે તેમના કર્મચારીઓની ચર્ચા પણ ક્યારેક થાય તો સારું. પીડા કોને કહેવાય અને અન્યાય એટલે ખરેખર શું એ સમજાઈ જશે. ખરેખર હોં.


(તસવીરો : બિનીત મોદી)

Thursday, April 10, 2014

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (માર્ચ – 2014)


(માર્ચ – 2014)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 41મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે માર્ચ – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Saturday, 1 March 2014 at 03:00pm)
રાજકારણના અઠંગ ખેલાડી લાલ કૃષ્ણ અડવાણીથી લઇને પીચ પર નવા-સવા આવેલા રમતવીર અરવિંદ કેજરીવાલ...
...2014 મધ્યે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે સંભવિત ઉમેદવારીની વાત પૂછવામાં આવે એ સાથે જ એ લોકોની જીભ લાળા ચાવતી ‘પાર્લામેન્ટરી બોર્ડ’નો હવાલો આપી દે છે...
...સ્વતંત્ર ભારતની સોળમી લોકસભા માટે યોજાનારી ચૂંટણી ઉમેદવારને ખોંખારીને ‘હા’ કે ‘ના’ બોલવાની પણ ‘સ્વતંત્રતા’ આપી શકતી નથી.
* * * * * * *

(Monday, 3 March 2014 at 11:20am)
લગ્ન રિસેપ્શનના સ્ટેજ પર નવદંપતી...
આમંત્રિતોને સાત વાગ્યાનો સમય આપ્યો હતો. કેમ મોડી પડી?
તૈયાર થવા બ્યૂટિ પાર્લરમાં ગઈ હતી. પણ એ તો કહે તું કેમ મોડો પડ્યો?
હુંહું ય તૈયાર થવા બાલ-દાઢી કરાવવા ગયો હતો.
* * * * * * *
એન.ડી. તિવારી : પ્રેસ કૉન્ફરન્સ વાળા પપ્પા
(Tuesday, 4 March 2014 at 11:45am)
દુનિયામાં ભારત જ એકમાત્ર એવો દેશ છે...
...જ્યાં પ્રેસ કૉન્ફરન્સ કરીને પપ્પા બની શકાય છે...
...કમ સે કમ નારાયણ દત્ત તિવારીએ તો એ સાબિત કરી જ દીધું છે...
* * * * * * *
કેજરીવાલ અને કાકા અન્ના હજારે
(Wednesday, 5 March 2014 at 11:25am)
દિલ્હીના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક કાકા ફરિયાદ કરવા પહોંચ્યા...
મારો દીકરો મારા કહ્યામાં રહ્યો નથી. કોઈનું કશું સાંભળતો નથી. કામ-ધંધો મળે તો એ પણ બરાબર કરતો નથી. મને તો ઘરમાંથી કાઢી જ મૂક્યો છે, હવે તો પોતે ય રહેતો નથી...અને આજકાલ તો સાંભળવામાં આવ્યું છે કે ઘર છોડીને ફરતો ફરે છે.
કાકા તમારું નામ લખાવો.”…“અન્ના હજારે.
પુત્રનું નામ?”…“અરવિંદ કેજરીવાલ.
ક્યાં રહેતો હતો?”…“મુખ્યમંત્રીના બંગલામાં.
તમે એને છેલ્લે ક્યાં જોયો હતો?”…“ટેલિવિઝનમાં.
ઘર છોડીને ક્યાં જતો રહ્યો હોવાની તમને શંકા છે.”…“આજકાલ ગુજરાતમાં હોવાના વાવડ મળ્યા છે.
* * * * * * *
(Wednesday, 5 March 2014 at 05:20pm)
સોળમી લોકસભાની રચના માટે નવ તબક્કામાં યોજાનારી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. 16મી મે ના દિને થનારી મતગણતરીના પરિણામો છાતી છપ્પનની હશે તો પણ ઉમેદવારના બરડામાં ‘સોળઉપસાવનારા આવશે. કોઈ શક?
* * * * * * *

(Thursday, 6 March 2014 at 12:40pm)
આજે માર્ચ – 2014માં પેટ્રોલનો ભાવ લિટરે 77=00 રૂપિયા છે....યાદ રહે પહેલું સત્તા પરિવર્તન પણ મોંઘવારી ભ્રષ્ટાચારના મુદ્દે 77માં થયું હતું...1977માં...
(સોળમી લોકસભાની ચૂંટણી : એપ્રિલ મે 2014)
* * * * * * *

ગુજરાત કૉંગ્રેસનું મુખપત્ર : કૃત સંકલ્પ
(Saturday, 8 March 2014 at 09:19am)
એવો દાવો કરવામાં આવે છે કે...કૉંગ્રેસ પક્ષે...
...દેશને આઝાદી અપાવી...
...દેશને પ્રથમ મહિલા રાજ્યપાલ આપ્યા (સરોજિની નાયડુ, ઉત્તર પ્રદેશ, 1947)...
...દેશને પ્રથમ મહિલા મુખ્યમંત્રી આપ્યા (સુચેતા ક્રિપાલાની, ઉત્તર પ્રદેશ, 1963)...
...દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન આપ્યા (ઇન્દિરા ગાંધી, 1966)...
...દેશને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ આપ્યા (પ્રતિભા દેવીસિંહ પાટીલ, 2007)...
...દેશને પ્રથમ મહિલા સ્પીકર આપ્યા (મીરાંકુમાર, પંદરમી લોકસભા, 2009)...
...માત્ર એક જ ખોટ રહી ગઈ છે...
અમદાવાદથી પ્રકાશિત થતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના માસિક મુખપત્ર કૃત સંકલ્પના સંપાદક મંડળમાં સમાવેશ કરવા યોગ્ય તેઓને એકપણ મહિલા મળી નહીં...
...સંયુક્ત રાષ્ટ્રસંઘ પ્રયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ 8મી માર્ચની ઉજવણી નિમિત્તે આ ચપટીક પ્રસાદ...
...વધુ પ્રસાદ આ રહ્યો...
કૃત સંકલ્પ’ના ALL MALE સંપાદક મંડળના નમૂનાઓ’...
પ્રોફેસર હસમુખ પટેલ (પ્રકાશક, અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણમંત્રી), અરવિંદ સંઘવી (પૂર્વ નાણામંત્રી), અંબાલાલ ઉપાધ્યાય (મોડાસાના પૂર્વ અપક્ષ ધારાસભ્ય), કિશોરસિંહ સોલંકી, પી.કે. વાલેરા (પૂર્વ સનદી અધિકારી), પ્રોફેસર આઈ. જે. સૈયદ, ભાવેશ લાખાણી (ગઈકાલથી ભાજપમાં), જયેશ ગેડિયા, બ્રીજેશ મેરજા, ઈમરાન ટોપીવાલા, દિલીપ ગઢવી...
સહ સંપાદક નિમિષ શાહ...પ્રકાશન સમિતિ નટવરલાલ પી. પટેલ (ચેરમેન, ઇફકો) બળવંતસિંહ રાજપૂત (પગારનો એકપણ રૂપિયો નહીં લેતા સિધ્ધપુરના કરોડપતિ ધારાસભ્ય), દલસુખ પ્રજાપતિ (વડોદરાના પૂર્વ મેયર તેમજ પૂર્વ ધારાસભ્ય), જે.બી. પટેલ, જીતુ લાલ, ભાવેશ લાખાણી (7મી માર્ચથી ભાજપમાં), મહેન્દ્ર ઓસવાલ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ (પગાર સ્વીકારીને એ રકમ જનસેવામાં ખર્ચનાર રાજકોટના કરોડપતિ ધારાસભ્ય) અને ચેતન પટેલ
* * * * * * *

(Monday, 10 March 2014 at 11:11am)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
નવા મકાનના વાસ્તુ પૂજન પ્રસંગે ડી.જે. પાર્ટીનું આયોજન કેમ કરવામાં આવતું નથી?...
...કેમ કે...બિલ્ડર કોન્ટ્રાક્ટરે બાંધકામમાં સિમેન્ટ ઓછો વાપર્યો હોય તો ખબર પડી જાય એટલે...
* * * * * * *
ગુજરાતમાં મઝા છે : અરવિંદ કેજરીવાલ
(Thursday, 13 March 2014 at 03:33pm)
અરવિંદ કેજરીવાલનો ઇન્ટરવ્યૂ by ડમડમબાબા...
ગુજરાતનો વિકાસ થયો છે તેમ માનો છો?
જાહેરમાં નાઅને ખાનગીમાં હા’...
કેવી રીતે?”...“જુઓ ભાઈ, દિલ્હીમાં હું ચાર સીટની મારૂતિ વેગન-આર કારમાં ફરતો હતો. ગુજરાતની મુલાકાત દરમિયાન અને તે પછી હું છ સીટની ટોયોટા ઇનોવા કાર અને એસયુવીમાં ફરવા માંડ્યો છું. આગળ કંઈ પૂછવું છે?
* * * * * * *

(Friday, 14 March 2014 at 08:00am)
પરંપરાગત ધોરણો માપદંડો સાવ જ કથળે ત્યારે શું થાય?...બસ એ જ...લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સએ પણ વક્તા તરીકે અભિષેક બચ્ચનને આમંત્રણ મોકલાવવું પડે...
* * * * * * *

(Saturday, 15 March 2014 at 03:25pm)
તૃણમૂલ કૉંગ્રેસ જેવા પ્રાદેશિક રાજકીય પક્ષોની સ્થાપના થઈ ત્યારે તે નાણાભીડઅનુભવતા હતા...
...નાણાભીડદૂર થઈ એટલે જાહેરસભાઓમાં ભીડથવા માંડી...
...ભીડદિલ્હી સુધી ન પહોંચી એટલે પાર્ટી ફરી ભીડમાં આવી ગઈ...
...અને હા...અન્ના હજારે જેવા એમાં વગર લેવા-દેવાના ભીડાઈગયા...
* * * * * * *

(ધૂળેટી : Monday, 17 March 2014 at 10:30am)
માથાના વાળ સફેદ થઈ ગયા હોય તેવા લોકોની હેર ડાઈ આજે મફતમાં થઈ શકે તેવા ઉજળાસંજોગો  છે. હા, શરીરનો બાકીનો ભાગ ઉજળોનહીં રહે તેની ગૅરન્ટી.
* * * * * * *

બાપ-બેટાનું ‘ટાંટિયા’પૂજન
(Tuesday, 18 March 2014 at 10:30am)
જોધપુર (રાજસ્થાન)ની જેલના કેદી આસારામ અને સુરત (ગુજરાત)ની જેલમાં કેદ નારાયણ સાઈને આગામી ગુરૂપૂર્ણિમાએ (અષાઢ સુદ પૂનમ : 12 જુલાઈ 2014) એક દિવસના જામીન મળી જાય તો સારું...
...મારે બન્નેના ટાંટિયાનું પાણીથી પૂજનકરવું છે...
...થોડો એસિડઉમેરીને...
* * * * * * *

ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવર : અન્ના હજારે
(Friday, 21 March 2014 at 04:55pm)
ગમે તેવો ભયંકર અકસ્માત થાય તો પણ ટ્રક ડ્રાઇવરને સામાન્ય ઈજા થાય અથવા અકસ્માતમાંથી ઉગરી જાય એવું મોટેભાગે જાણવામાં આવ્યું છે...
...પણ ભારતમાં એક ટ્રક ડ્રાઇવર એવા છે જેની કારકિર્દી વગર અકસ્માતે કચડાઈ ગઈ છે...
...તે ટ્રક ડ્રાઇવરનું નામ અન્ના હજારે છે...
...અરવિંદ કેજરીવાલ અને મમતા બેનરજીએ તેમની કારકિર્દી રોળી નાખી છે...
* * * * * * *
(Monday, 24 March 2014 at 04:00pm)
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન.....
ભારતમાં સામાન્ય નાગરિકોની સરખામણીએ ડૉક્ટરોની સંખ્યા વધી જવાની છે...
...કેમ કે...મેડિકલ એજ્યુકેશન બ્રાન્ચ ઉર્ફે તબીબી વિદ્યાશાખાની બેઠક સંખ્યા વધી ગઈ છે...
...ભાત-ભાતના લોકો જાત-જાતના વિષયો પર તરહ-તરહનું સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવતા રહે છે...અને...
...અને...દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓ જાત-ભાતના લોકોને ડૉક્ટરેટની ઉપાધિ લહાણીની માફક વહેંચે છે...
* * * * * * *

ડૉ. પંકજ શાહ અને તારક મહેતા (*)
(Tuesday, 25 March 2014 at 03:30pm)
ધૂળેટીના દિવસનો જીવનરંગ...
ફોટામાં તારક મહેતાની સાથે ડૉ. પંકજ શાહ છે. પંકજભાઈ કૅન્સર સંબંધિત રોગોના નિષ્ણાત ફિઝિશન છે જેમને આ સેવાઓ માટે તબીબી જગતનો ભારત રત્નગણાતું ડૉ. બી.સી. રોય સન્માન પ્રાપ્ત થયું છે.
હવે અહીંથી આગળ વધું તે પહેલાં જરૂરી સ્પષ્ટતા કરી લઉં કે ડૉ. પંકજભાઈ તારકભાઈને કોઈ તબીબી મેડિકલ કારણોસર મળવા નહોતા ગયા. તેઓ તો તેમના વાચક ચાહક હોવાના નાતે મળવા ગયા હતા. દિલથી મળ્યા.
ખાડિયા (અમદાવાદનો દેશની રાજધાની સમકક્ષ ગણાતો એક વિસ્તાર)નો ઉલ્લેખ કરીને કહ્યું કે, ખાડિયાના લોકો મજબૂત હોય છે એમ તમે પણ પંચ્યાસી વર્ષે અડીખમ લાગો છો. પછી ઉમેર્યું, હું ય ખાડિયાનો જ છું. જન્મથી ડૉક્ટરની પદવી હાંસલ કરી ત્યાં સુધી ખાડિયામાં જ રહ્યો છું.
બન્ને પહેલી જ વાર મળી રહ્યા હતા પણ વર્ષોથી એકબીજાના પરિચિત હોય તે રીતે જ વાતો કરવા લાગ્યા. આ કદાચ ખાડિયાશબ્દનો ચમત્કાર હતો. થોડી વાતો અને ચાના કપ પછી છૂટા પડતાં પંકજભાઈએ તારકભાઈને કહ્યું કે, મારું કંઈ પણ કામ હોય તો બિનીતને વિના સંકોચ જણાવવું. સાથે ઉમેર્યું, તમારી સાથે ડબલ સગાઈ છે. ચિત્રલેખાનો અને એ કારણે તમારો વાચક તો છું જમારું કન્સલ્ટિંગ ક્લિનિક ચિત્રલેખાની ઑફિસ નીચે જ છે. એટલે તમે મહેશ શાહને પણ મારા જોગ સંદેશો પાઠવી શકો. બિલકુલ હકથી. તમને મદદરૂપ થતા મારો રાજીપો ડબલ થશે. આવજો.
સોમવાર 17 માર્ચ ધૂળેટીની સાંજની આ મુલાકાત પછી બીજા દિવસની સવારે ડૉ. પંકજ અંકલનો સંદેશો (SMS) આવ્યો...It was a very refreshing meeting. Thanks.
* * * * * * *
(Wednesday, 26 March 2014 at 11:00am)
પેરિસ (જિલ્લો ફ્રાન્સ) ફેશન ડિઝાઇનિંગનું મક્કા ગણાય છે...
...એ રીતે...અમદાવાદ ફૂટપાથ ડિઝાઇનિંગનું મક્કા છે...
એક જ રસ્તાની બન્ને તરફ આવેલી ફૂટપાથનું જુદી-જુદી અડધો ડઝન વાર ડિઝાઇનિંગ અહીં બિલ્ડરો કોન્ટ્રાક્ટરોના લાભાર્થે થઈ શકે છે...
વસ્ત્રાપુર-અમદાવાદ સ્થિત આઈઆઈએમથી પોલિટેક્નિક તરફ જતા રસ્તાની નવી ફૂટપાથ બનાવવાનું કામ હાલમાં સાતમી વખત ચાલી રહ્યું છે.
મારું ગુજરાત નંબર વન...અવ્વલ અમદાવાદ...
* * * * * * *

વિલિયમ શેક્સપીયર અને ગુજરાતી રંગભૂમિ
(Thursday, 27 March 2014 at 10:50am)
જ્ઞાતિપ્રથામાં હું માનતો નથી...પરંતુ...જ્ઞાતિ મંડળોના સોલ્ડ આઉટ શૉની પ્રથાએ જે રીતે ગુજરાતી રંગભૂમિને ટકાવી રાખી છે એ જોયા પછી હું જ્ઞાતિપ્રથામાં આસ્થા ધરાવતો થઈ ગયો છું. લિ. વિલિયમ શેક્સપીયર
નોંધ : શેક્સપીયરએ આવું કંઈ કહ્યું નથી. કહે પણ નહીં. આ તો એમના નામે ઠપકારીએ તો વાતમાં જરા વજન પડે.
નોંધની નોંધ : મુંબઈ ગુજરાતના જ્ઞાતિ મંડળો શેક્સપીયરના નાટકો બતાવતા નથી એટલી સ્પષ્ટતા.
આજે 27 માર્ચ – ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ (1961થી ઇન્ટરનેશનલ થીએટર્ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રયોજિત વાર્ષિક ઉજવણી)
* * * * * * *

દલિત સાહિત્યના દાદા : જોસેફ મેકવાન (*)
(Friday, 28 March 2014 at 04:00pm)
આંગળિયાતના સર્જક અને ઓડ ગામના વતની જોસેફ મેકવાનની વિદાયને વરસ થયા ચાર
જન્મ : 9 ઑક્ટોબર 1936, આણંદ જિલ્લાનું ત્રણોલ ગામ
અવસાન
 : 28 માર્ચ 2010, મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ (કિડ્નિ) હોસ્પિટલ, નડિયાદ
તસવીર સ્થળ 
: શંકુઝ વૉટર પાર્ક, અમીપુરા ગામ, અમદાવાદ મહેસાણા હાઈવે.
* * * * * * *

(Monday, 31 March 2014 at 11:00am)
કૉંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી ત્રીજા મોરચામાં, ત્રીજા મોરચામાંથી તૃણમૂલ કૉંગ્રેસમાં, ત્યાંથી મૂળ કૉંગ્રેસમાં, ત્યાં ફરીથી ગયા પછી ન ફાવે તો બહુજન સમાજ પાર્ટીમાં, સમાજવાદી પાર્ટીમાં, અકાલી દળમાં અને છેલ્લે આમ આદમી પાર્ટીમાં...
...રાજકીય પક્ષોના સક્રિય કાર્યકરોએ જ્યાં જવું હોય ત્યાં આજે સાંજ સુધીમાં જતા રહેજો...
...31મી માર્ચ છે...ને પાકું સરવૈયું (I Mean...બેલેન્સ શીટ) બનાવવાનું બાકી છે.

ગયા મહિને અહીં મુકેલી ફેબ્રુઆરી – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
.....તેમજ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં અહીં મુકેલી માર્ચ – 2011, માર્ચ – 2012 (ભાગ-1 અને ભાગ-2) તેમજ માર્ચ 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2013/04/2011.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)